દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયા ગામમાં પરોડીયા રોડ પર આવેલા વાડીવિસ્તારમાં રસ્તાની બાબતે બે પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હતું. દરમ્યાન બંને પરિવારો વચ્ચે આજે સામસામી જૂથ અથડામણમાં 9 લોકોને ઈજા પહોચી હતી.
વિગત મુજબ દ્વારકા જીલ્લાના સલાયા ગામના પરોડીયા રોડપર આવેલા વાડીવિસ્તારમાં બે પરિવારો વચ્ચે થોડા સમયથી મનદુઃખ ચાલતું હતું અને આ મનદુઃખ માં આજે બંને પરિવારો સામસામાં આવી જતા સશસ્ત્ર અથડામણ થઇ હતી જેમાં બંને પરિવાર દ્વારા સામસામાં હથિયારો વડે હુમલો કરાતા બંને પરિવારના 9 જેટલા લોકો ઘવાયા હતા.
હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સલાયાની અને ત્યારબાદ ખંભાળિયાની સરકારી હોસ્પીટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકીના બે ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા પહોચી હોવાનું તબીબો દ્વારા જણાવાયું હતું.
આ જૂથ અથડામણમાં મહિલાઓને પણ ઈજા પહોચી હતી. બનાવની જાણ થતા સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.સી.સિંગરખીયા તથા સ્ટાફ હોસ્પીટલે દોડી ગયો હતો. અને ઈજાગ્રસ્તોના નિવેદન મેળવી સામસામી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.