ચીનની ઉત્તર આવેલા શી આન શહેરમાં અચાનક કોરોનાના સંક્રમણના કેસોમાં ધરખમ વધારો થતાં સરકારે 1.30 કરોડ લોકોને લોકડાઉનમાં પૂરી દીધા હતા અને તમામ પ્રકારના વેપાર-ધંધા અને કામકાજના સ્થાનો બંધ કરી દીધા હતા. ચીનની સરકારની માલિકાના મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ શી આન શહેરના સત્તાવાળાઓએ શહેરના તમામ નાગરિકોને ઇમરજન્સી કામ સિવાય અન્ય કોઇ કામ માટે બહાર નહી નીકળવાની તાકીદ કરી દીધી હતી અને તમામ પ્રકારના વેપાર-ધંધા અને કામકાજની ઓફિસો કચેરીઓ બંધ રાખવાનો આદેશ ફરમાવી દીધો હતો. તે ઉપરાંત એરપોર્ટથી શહેર તરફ આવતા અને શહેરથી એરપોર્ટ જતાં તમામ પરિવહનને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો આદેશ કરી દેવામાં આવ્યો હતો. આ તમામ આદેશનો અમલ તાત્કાલિક શરુ કરી દેવાયો છે અને બીજી સૂચના બહાર ના પડાય ત્યાં સુધી તેનો અમલ ચાલુ રહેશે.
ઘરની જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે પ્રત્યેક ઘરમાંથી એક વ્યક્તિને દર બે દિવસે એકવાર બહાર જવાની મંજૂરી આપવામાં આવશે એમ શહેરના સત્તાવાળાઓ દ્વારા બહાર પડાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું. શિ આન શહેરમાં બુધવારે એટલે કે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 53 કેસ નોંધાયા હતા.
ઉલ્લેખનિય છે કે ચીનની સરકારે ઝીરો સંક્રમણ કાર્યક્રમ અંતર્ગત કોરોના વારિસના ચેપને અટકાવવા ખુબ જ કડક અને આકરા પગલાં લેવાની નીતિ અપનાવી છે જેના પગલે દેશના જુદા જુદા સહેરોમાં અવાર-નવાર લોકડાઉન લાદવામાં આવે છે. આખા દેશમાં તમામ લોકોને માસ્ક પહેરવુ ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને દરેક નાગરિકે ટેસ્ટ કરાવી લેવાનો પણ સરકારી આદેશ જારી કરી દેવાયો છે. ઉલ્લેખનિય છે કે નજીકના દિવસોમાં જ બેઇઝિંગ ખાતે વિન્ટર ઓલિમ્પિકની રમતોનો ઉત્સવ શરૂ થઇ રહ્યો છે તે પહેલાં દેશના વિવિધ શહેરોમાં કોરોનાના વધી રહેલાં કેસોને જોતાં હવે સરકાર કોઇ તક લેવા માંગતી નથી તેથી તેણે અત્યંત આકરાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.