ગૌણ સેવા પસંદગી મંડળના હેડ કલાર્કની ભરતીના પેપરલીકકાંડ મુદ્ે સમગ્ર રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજરોજ જામનગર આમ આદમી પાર્ટી દ્વારા પણ પેપરલીકકાંડ મુદ્ે ધરણા યોજવામાં આવ્યા હતાં અને હાથમાં પોસ્ટરો લઇ ગૌણ સેવા પસંદગી મંડળના આસિત વોરાનું પદ પરથી દૂર કરવા તથા પ્રામાણિક અને નિષ્પક્ષ અધિકારીની નિમણૂંક કરવા માગણી કરી હતી. પોલીસ દ્વારા ધરણા કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી સેવા મંડળની ભરતી પરીક્ષામાં પેપરલીક થવાની ઘટનાને લઇ જામનગર સહિત સમગ્ર રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે. પેપરલીકકાંડને લઇ વિદ્યાર્થીઓની સાથે રાષ્ટ્રીય પક્ષોમાં નારાજગી જોવા મળી રહી છે. જામનગર શહેર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ લાલબંગલા સર્કલ ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતાં. પેપરલીક મુદ્ાને લઇને આમ આદમી પાર્ટી દ્વારા ધરણા યોજાયા હતાં. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળના આસિત વોરાને તેમના પદ પરથી દૂર કરવા, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષસ્થાને પ્રામાણિક અને નિષ્પક્ષ અધિકારીની નિમણૂં કરવા જેવી માગ સાથેના પોસ્ટરો લઇ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ ટૂકડી દોડી જઇ આંદોલન કરી રહેલા કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.