Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ઉદ્યોગપતિ પિતા-પુત્ર દ્વારા 10 કરોડની છેતરપિંડી

જામનગરના ઉદ્યોગપતિ પિતા-પુત્ર દ્વારા 10 કરોડની છેતરપિંડી

બોગસ દસ્તાવેજો અને લાલચ આપી છેતરપિંડી : 13.69 લાખ અમેરિકન ડોલર અને 10 લાખ રૂપિયા પડાવ્યા : 2017 માં આચરેલા ગુનામાં પિતા-પુત્ર જેલહવાલે

- Advertisement -

જામનગરના પટેલ સમાજના અગ્રણી અને બ્રાસ પેઢી ચલાવતા વેપારી તથા તેમના પત્ની અને પુત્ર સામે દસ કરોડની છેતરપીંડી આચરવા અંગે સીઆઈડી ક્રાઈમ અમદાવાદ દ્વારા ગુનો નોંધી જામનગરમાંથી આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી બન્નેને જેલમાં ધકેલી દીધા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરના જીઆઈડીસી-ઉદ્યોગનગર પાસે મયંક બ્રાસ ફીટ પ્રાઈવેટ લિમિટેડ નામની પેઢીના સંચાલક મૂળ કાલાવડ તાલુકાના નવાગામના વતની ગોપાલ ડાયાભાઈ અકબરીએ મયંક બ્રાસ ફીટ નામની પેઢી શરૂ કરી હતી જેમાં મયંક ગોપાલભાઈ પટેલ તથા કંચનબેન ગોપાલભાઈ પટેલ ડાયરેકટર છે. જ્યારે ગોપાલ ડાયાભાઈ પટેલ (અકબરી) આ કંપનીના વહીવટદાર તરીકે રહેલા છે. અમદાવાદના ઘનશ્યામ ચાંદમલ સારડા એ સીઆઈડી ક્રાઈમમાં નોંધાવેલી ફરીયાદ મુજબ ગોપાલ પટેલ સહિતના આરોપીઓએ મોટી-મોટી વાતો કરી લાલચ આપી બદદાનતથી અને ઠગાઈ કરવાના ઈરાદે ખોટા કરાર કરી બોગસ દસ્તાવેજો બનાવી ઈ-મેઈલથી મોકલી કંપની માટે 13,69,872 અમેરીકન ડોલર તથા રૂા. 10 લાખ રોકડા એટલે કે ભારતીય ચલણ મુજબ ગણતરી કરતા રૂપિયા 10,16,63,704ની રકમ ઘનશ્યામ સારડા પાસેથી મેળવી લઈ મયંક બ્રાસ ફીટ પ્રાઈવેટ લિમિટેડના એચડીએફસી બેન્કની જામનગર શાખામાં તે રકમ મંગાવી હતી અને ઘનશ્યામએ તે રકમ ઉપરોકત ખાતામાં જમા કરાવી હતી.

બાદમાં નાણાં પરત મેળવવા માટે ફરિયાદીએ માંગણી કરતાં મયંક તથા ગોપાલ આનાકાની કરતા હતાં અને ગાળાગાળી કરી ધમકી આપતા હતા. આ ફરીયાદમાં વધુમાં જણાવવામાં આવ્યા મુજબ ફરીયાદીએ જે નાણાં આપ્યા હતા. તે માટે કરાયેલા કરારો ચાલુ હતા, તેમ છતાં આરોપીઓએ કરારવાળી મિલકત અન્ય બેંકમાં મોર્ગેજ કરી નાણાં મેળવી લઇ અને તેની રકમ પરત આપી ન હતી. ત્યારબાદ અમદાવાદ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ જામનગર આવી ગોપાલ તેના પુત્ર મયંક અકબરીની અટકાયત કરી પૂછપરછ બાદ પિતા-પુત્રને અમદાવાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ કેસના આરોપી ગોપાલ ડાયાભાઈ પટેલ (અકબરી) પટેલ સમાજની જુદી-જુદી સંસ્થાઓમાં હોદ્દેદાર રહી ચુક્યા છે અને હાલમાં તેઓ કાલાવડ સ્થિત ક્ધયા વિદ્યાલયના પ્રમુખપદે સેવા આપી રહ્યા છે. અમદાવાદમાં કંચનબેન ગોપાલ, ગોપાલ ડાયા પટેલ તથા મયંક ગોપાલ પટેલ સામે વર્ષ 2017ના જાન્યુઆરી મહિનામાં થયેલા છેતરપિંડીના બનાવમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular