કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામમાં રહેતાં મહિલાને બે માસ પૂર્વે પક્ષઘાતનો હુમલો આવ્યો હતો અને તેની સારવાર ચાલુ હોવા છતાં તબિયતમાં સુધારો ન થવાથી તેણીના ઘરે એસિડ પી આપઘાત કર્યો હતો. જામનગર શહેરના મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં રહેતાં આધેડ તેના ઘરે પડી જતાં ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં રહેતાં બિંદુબેન પ્રવિણભાઈ સોલંકી (ઉ.વ.33) નામના મહિલાને બે માસ પહેલાં પક્ષઘાતનો હુમલો આવ્યો હતો અને ત્યારબાદ તેમની સારવાર ચાલુ હતી તેમ છતાં આ બીમારીમાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળીને મંગળવારે તેના ઘરના બાથરૂમમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની મૃતકના પતિ પ્રવિણભાઈ સોલંકી દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં રહેતાં મિતેશભાઈ કાંતિલાલ મહેતા (ઉ.વ.50) નામના વિપ્ર યુવાનને ઘણાં સમયથી માનસિક બીમારી હતી તેમજ એકલવાયુ જીવન જીવતા યુવાન મંગળવારે બપોરના સમયે તેના ઘરે કોઇકારણસર પડી જતાં નાકમાં તેમજ કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ભાવેશ મહેતા દ્વારા જાણ કરાતા હેકો ડી.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.