દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે બપોરે એક ગ્રામ પંચાયતના સભ્ય પદના ઉમેદવાર એવા એક મહિલા મતદાન કર્યા પછી ઘરે પરત ફર્યા હતા. જેમનું અકાળે અવસાન થયું છે. આ સંદર્ભે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાણપરડા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર 3 ના સભ્ય પદના ઉમેદવાર તરીકે આ ગામના ટમુબેન ભગતભાઈ મોઢવાડીયા નામના આશરે બાવન વર્ષના એક મહિલાએ ઉમેદવારી નોંધાવી હતી. ગઈકાલે રવિવારે બપોરે તેમણે મતદાન કરી અને તેઓ ઘરે પરત ફર્યા ત્યાર બાદ આશરે દોઢેક વાગ્યે કોઈ કારણોસર તેમનું મૃત્યુ નીપજયું હતું. સંભવિત રીતે હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયાનું કહેવાય છે.
આ બનાવ સંદર્ભે અહીંના ચૂંટણી તંત્ર તથા મામલતદાર સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાણપરડા ગામની ચૂંટણીમાં પરિણામ પૂર્વે એક બેઠકની ચૂંટણી રદ કરવા સહિતની બાબતે સ્થાનિક તંત્ર દ્વારા સલાહ-સુચન અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.