દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રવિવારે જુદા-જુદા સ્થળોએ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. આના અનુસંધાને જે-તે સ્થળે તંત્ર દ્વારા પોલિંગ ઓફિસર તથા સ્ટાફને જરૂરી કામગીરી સોંપવામાં આવી હતી.
કલ્યાણપુર તાબેના ધતુરીયા ગામે આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે આ વિસ્તારમાં શનિવારે સાંજે પોલિંગ ઓફિસર વિગેરે દ્વારા કામગીરી સંભાળવા તથા આ અંગે પ્રાથમિક શાળાએ ચુંટણી સંદર્ભે કરવાની થતી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શનિવારે રાત્રિના સમયે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ હરદાસભાઈ ધોકિયાએ ધતુરીયા- 2 ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન પોલિંગ ઓફિસર તરીકે મૂકવામાં આવેલા મોડાસા તાલુકાના જીગ્નેશ કાંતિભાઈ પટેલ નામના 35 વર્ષના કર્મચારીને આ વિસ્તારની સરકારી તાલુકા શાળા ખાતે મતદાન માટે મતપેટીઓ લઈને આવતા પોલિંગ ઓફિસર જીગ્નેશભાઈ હાજર ન હતા. જેથી તેમને સમયાંતરે બે વખત મોબાઈલ કર્યા બાદ રાત્રીના આશરે દસેક વાગ્યે તેઓ અહી આવ્યા હતા.
આ સ્થળે રહેલા કર્મચારીઓને પોલીંગ ઓફિસર જીગ્નેશ પટેલ પીધેલી હાલતમાં હોવાનું ધ્યાને આવતા આ બાબતે કલ્યાણપુર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારી તથા સ્ટાફે દોડી જઈ અને આ અંગેની તપાસમાં ઉપરોક્ત કર્મચારી કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી શનિવારે મોડી રાત્રિના સમયે જ તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસર ગુનો નોંધી, તેની અટકાયત કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે અરવિંદભાઈ હરદાસભાઈ ધોકિયાએ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.