નવા વર્ષમાં એક બીજાને મળીને શુભેચ્છા પાઠવવાના હેતુસર ખોડલધામ સાઉથ ઝોન સમિતિ- રાજકોટ અને ખોડલધામ નોર્થ-વેસ્ટ ઝોન સમિતિ- રાજકોટ દ્વારા આગામી તા. 19 ડિસેમ્બરને રવિવારના રોજ અલગ અલગ બે સ્થળે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ હાજરી આપશે. ત્યારે ખોડલધામ સમિતિઓ દ્વારા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સાઉથ, નોર્થ ઝોન અને વેસ્ટ ઝોનમાં રહેતા તમામ લેઉવા પટેલ પરિવારને પધારવા આમંત્રણ પાઠવાયું છે. તા. 19 ડિસેમ્બરને રવિવારના રોજ રાજકોટ શહેરમાં અલગ અલગ બે સ્થળે ખોડલધામ સમિતિઓ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું છે. જેમાં સૌ પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ ખોડલધામ સમિતિ સાઉથ ઝોન-રાજકોટ દ્વારા સાંજે 4 કલાકે રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર, હરિઘવા રોડ પરના નવનીત હોલ ચોક ખાતે આયોજિત કરાયું છે. ખોડલધામ સમિતિ સાઉથ ઝોન- રાજકોટ આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજકોટ શહેરના વોર્ડ નંબર 14, 15, 16, 17, 18ના લેઉવા પટેલ પરિવારને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જ્યારે બીજું સ્નેહ મિલન ખોડલધામ સમિતિ નોર્થઝોન-વેસ્ટઝોન રાજકોટ દ્વારા સાંજે 5 કલાકે રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર નાના મૌવા સર્કલ પાસેના મિલેનિયમની બાજુના ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું છે. ખોડલધામ સમિતિ નોર્થ ઝોન-વેસ્ટઝોન રાજકોટ આયોજિત આ સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજકોટ શહેરના વોર્ડ નં. 1,2,3,8,9,10, 11,12,13ના લેઉવા પટેલ પરિવારને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બન્ને સ્થળે સ્નેહ મિલન કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સ્નેહ મિલન કાર્યક્રમને લઈને હાલ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.