નવેમ્બર, 2021માં જથ્થાબંધ આધારિત ફુગાવો વધીને 14.23 ટકા થયો છે. જે છેલ્લા 12 વર્ષની સૌથી ઉંચી સપાટી છે. ખનિજ તેલ, બેઝિક મેટલ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસના ભાવ વધવાને કારણે નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવામાં વધારો થયો છે.
ઉલ્લેખનિય છે કે એપ્રિલથી સળંગ આઠમા મહિને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો છે.ઓક્ટોબર, 2021માં જથ્થાબંધ ફુગાવો 12.54 ટકા હતો. જ્યારે નવેમ્બર, 2020માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 2.29 ટકા હતો. ફ્યુઅલ ઇન્ડેક્સમાં વધારો અને લો બેઇઝ ઇફેક્ટને કારણે નવેમ્બર, 2021માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 12 વર્ષની ટોચે પહોંચી ગયો છે.
વાણિજય અને ઔદ્યોગિક મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે નવેમ્બર, 2021માં ખનીજ તેલ, બેઝિક મેટલ, ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, કેમિકલ, કેમિકલ પ્રોડક્ટ, ફૂડ પ્રોડક્ટના ભાવ વધવાને કારણે જથ્થાબંધ ફુગાવો વધુ રહ્યો છે. નવેમ્બર, 2021માં ફ્યુઅલ અને પાવરનોે ફુગાવોે વધીને 39.81 ટકા રહ્યો છે. જે ઓક્ટોબરમાં 37.18 ટકા હતો. ફૂડ ઇન્ડેક્સ વધીને 6.70 ટકા રહ્યું છે જે ઓક્ટોબરમાં 3.06 ટકા હતો.
ક્રૂડ પેટ્રોલિયમનો ફુગાવો 91.74 ટકા રહ્યો હતો. જે ઓક્ટોબરમાં 80.57 ટકા હતો. જો કે મેન્યુફેકચર્ડ વસ્તુઓનો ફુગાવો ઘટીને 11.92 ટકા રહ્યો છે. જે ઓક્ટોબરમાં 12.04 ટકા હતો. વાણિજય અને ઔદ્યોગિક મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ફ્યુઅલ અને પાવર બાસ્કેટને કારણે નવેમ્બરમા જથ્થાબંધ ફુગાવામાં વધારો થયો છે. નવેમ્બરમાં શાકભાજી, ઇંડા, માંસ અને માછલીના ભાવ વધવાને કારણે ખાદ્ય ફુગાવો વધીને 4.9 ટકા રહ્યો છે. જે ગયા મહિને 1.7 ટકા હતો.