જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં મજુરી કામ કરતા યુવક ઉપર 9 જેટલા શખ્સોએ ધોકા-છરી, તલવાર જેવા હથીયારોના આડેધડ ઘા ઝીંકી હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ધરારનગર 1 માં રહેતાં અફઝલ ઈસ્માઈલ ખફી (ઉ.વ.21) નામના મજૂરીકામ કરતા યુવાન ઉપર સોમવારે રાત્રિના સમયે શહીદીચોક વિસ્તારમાં યાસીન ઉર્ફે યાસલો સીદીક, મનસુર સીદીક, મોહિન કામીલ, અનુડો, મામદ સુમરો તથા ત્રણ અજાણ્યા સહિતના નવ શખ્સોએ અફઝલને આંતરીને લાકડાના ધોકા, છરી, તલવાર જેવા હથિયારોના આધેધડ ઘા ઝીંકી હુમલો કર્યો હતો. એકાએક થયેલા હુમલામાં શ્રમિક યુવાન લોહી લુહાણ થઈ ગયો હતો. હુમલા બાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ અંગેની જાણ થતા પીએસઆઈ યુ.કે. જાદવ તથા સ્ટાફે ઘવાયેલા યુવાનના નિવેદનના આધારે નવ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ, હુમલો અને પતાવી દેવાની ધમકી આપ્યાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.