જામનગરમાં આવતીકાલે બાળવયના સગા ભાઇ-બહેન દિક્ષા ગ્રહણ કરવા જઇ રહ્યાં છે. આ પૂર્વે આ બંને ભાઇ-બહેનનો દિક્ષા સમારોહ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ગઇકાલે શાંતિ સ્નાત્ર પૂજા સહિતના કાર્યક્રમો યોજાયા બાદ આજે સવારે વરસીદાનનો વરઘોડો યોજાયો હતો. જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ગત માસમાં શેઠ જયંતિલાલ મોહનલાલ શાહ પરિવારની હેત્વી શાહએ દિક્ષા ગ્રહણ કર્યા બાદ તેના બે નાના ભાઇ-બહેન પણ દિક્ષા લેવા જઇ રહ્યાં છે. 10 વર્ષનો ચૈત્ય તથા 12 વર્ષની વિરાગી દ્વારા પણ દિક્ષા ગ્રહણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બન્ને ભાઇ-બહેનોનો દિક્ષા સમારોહ લાલ બંગલા નજીકના સમેતશિખરજી દેરાસર ખાતે યોજાયો છે. જે અંતર્ગત ગઇકાલે શાંતિ સ્નાત્ર પૂજા યોજાયા બાદ રાત્રીના ભાવના યોજાઇ હતી. ત્યારબાદ આજે સવારે વરસીદાનનો વરઘોડો યોજાયો હતો. જે શહેરના ચાંદીબજાર ખાતેથી શરુ થઇ સેન્ટ્રલ બેંક, હવાઇચોક, પંચેશ્ર્વર ટાવર, બેડીગેઇટ, સજુબા સ્કૂલ સહિતના રાજમાર્ગો પરથી પસાર થઇ પરત ચાંદીબજાર ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં જૈન સમાજના લોકો ગુરૂદેવની નિશ્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતાં.
આજે સાંજે જામનગરના 140 જેટલા બાળકો દ્વારા દિક્ષાર્થી બાળકોની અભિવ્યક્તિરૂપે સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ આવતીકાલે બંને બાળ મુમુક્ષોની દિક્ષા ગ્રહણ વિધિનો પ્રારંભ આચાર્યો વિજય મોહનસુરિજી મહારાજ, હેમપ્રભસુરિજી મહારાજ, પૂર્ણચંદ્રસાગરસુરિજી, દિપરત્નસાગરસુરિજી, પં. અપૂર્વચંદ્રસાગરજી સહિતના સાધુ-સાધ્વી મહારાજ સાહેબોની નિશ્રામાં થશે.
- સમગ્ર પરિવારમાંથી 20થી વધુ દિક્ષા
મુળ સિહોરવાળા અને હાલ જામનગરમાં સ્થાયી થયેલ ચંદ્રકાંતભાઇ જેન્તીભાઇ શાહ પરિવારમાંથી અત્યાર સુધીમાં 20 થી વધુ જૈન દિક્ષા થઇ છે. છેલ્લાં 6 માસમાં 70 વર્ષના દાદી, 24 વર્ષની દિકરીએ જૈન દિક્ષા લીધા બાદ 10 વર્ષનો દિકરો તથા 12 વર્ષની દિકરી જૈન દિક્ષા અંગિકાર કરવા જઇ રહ્યાં છે.