જામનગરમાં ભૂગર્ભ ગટરના કામની કોન્ટ્રાકટર કંપની રાજારામ કંપનીને બ્લેક લીસ્ટ કરવા વોર્ડ નં. 12ના કોર્પોરેટર અને પૂર્વ વિરોધપક્ષ નેતા અસ્લમ ખિલજી દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આગામી 10 દિવસમાં આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કમિશનર ઓફિસની બહાર અચોક્કસ મુદ્તના ધરણાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, આશરે 14 માસ પૂર્વે દશ કરોડ રૂપિયા ઉપરનું કામ રાજારામ કંપનીને વોર્ડ નં. 12 સહિત અલગ-અલગ વોર્ડમાં કામ કરવા માટે ટેન્ડર લાગ્યું હતું. જેમાં 15 માસમાં કામગીરી પૂર્ણ કરવાની શરત ટેન્ડરમાં સ્પષ્ટ છે. આ કંપની વિરુધ્ધ અનેક વખત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેમજ સામાન્ય સભામાં પણ રજૂઆત કરાઇ છે. આ કંપનીને ભૂર્ગભ શાખાના જવાબદાર અધિકારીઓ દ્વારા ચાર-ચાર વખત નોટીસ આપવામાં આવી છે કે, હલકી કક્ષાનું કામ થાય છે અને વોર્ડ નં. 12 રબ્બાની પાર્ક સોસાયટીની ઇન્ટરનલ શેરીમાં ત્રણ-ત્રણ વખત લાઇનો બહાર કઢાવી હોય, મુખ્ય લાઇન મોરકંડાથી બાબુ અમૃતના વાડા સુધી અધુરું કામ મૂકી લોકોને સુવિધા આપવાના બદલે દુવિધાઓ ઉભી કરી એક વર્ષ જેટલા સમયથી કામ બંધ કરી કોઇને જવાબ આપતા નથી. ચારેતરફ રોડ ઉપર ગટરો છલકાઇ છે. ગંદા પાણીનો કોઇ જ નિકાલ નથી. જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે. તેમજ મજૂર માણસોને પગાર પણ ચૂકવવામાં આવતો ન હોય, લેબરોની પણ ફરિયાદ આવે છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરાઇ છે. જો આગામી દસ દિવસમાં આ કંપનીને બ્લેક લીસ્ટ કરવામાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદ્તના ધરણાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.