જામનગરમાં છેલ્લા થોડા દિવસોથી તાપમાનમાં ચડાવ-ઉતાર સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીની શરુઆત સાથે જ લોકો સ્વાસ્થ્યની તકેદારી માટે યોગ, કસરત, મોર્નિંગ વોકમાં જોડાયા છે. આ સાથે લોકો આર્યુવેદ અને દેશી ઓસડીયા તરફ પણ વળી રહ્યાં છે. ત્યારે ઠંડી સામે રક્ષણ આપતા કાઠીયાવાડી કાવા લોકો પસંદ કરે છે. શિયાળાની ઠંડી અને કોરોનામાં કાવો સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. યુવાનો અને બાળકોમાં પણ કાવો પસંદગી બનતો જાય છે. શરદી-ઉધરસ, કફમાં કાવાનો ઘણો જ ફાયદાકારક ગણવામાં આવે છે. આદુ રસ, સુંઠ પાઉડર, સંચર સહિતની આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ ઉપરાંત અનેક પ્રકારના આર્યુવેદિક મસાલા તેમજ લીંબુ મસાલા સાથે મિક્સ કરીને કાવો બનાવવામાં આવે છે. હાલમાં ઠંડીના સમયમાં કાઠીવાડી કાવો આકર્ષણનું કેન્દ્ર બને છે. શિયાળાની ઠંડીથી બચવા માટે બાળકોથી લઇ વૃધ્ધો રાત્રીના સમયે કાવો પીવા માટે પરિવાર સાથે બહાર નિકળે છે અને કાવો પીને ઠંડીથી રાહત મેળવે છે.