તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો અંગે પ્રતિક્રિયા આપતાં જી.જી.હોસ્પિટલ જામનગરના સ્ત્રી રોગ તથા પ્રસૂતિ વિભાગના વડા ડો.નલિની આનંદે જણાવ્યું હતું કે આ વિભાગમાં દર વર્ષે ૧૦ હજાર જેટલી પ્રસૂતિ કરાવવામાં આવે છે જેનો લાભ જામનગર સહિત અન્ય જિલ્લાઓના નાગરિકો પણ મેળવી રહ્યા છે જે તમામને હોસ્પિટલ દ્વારા સઘન સારવાર આપવામાં આવે છે. જટિલ પ્રકારના ઓપરેશન તેમજ આનુસંગિક ચિકિત્સા દ્વારા માતા મરણનું પ્રમાણ ઘટાડવા પણ હોસ્પિટલનો મહત્વનો ફાળો રહ્યો છે અને કોરોના કાળમાં પણ તમામ સ્ટાફે ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કરી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ત્યારે તાજેતરમાં વાયરલ થયેલ વિડિયોમાં પાણી સહિતના પ્રશ્ન અંગે ડો.નલિની આનંદે જણાવ્યું હતું કે સ્ત્રી રોગ વિભાગમાં ઓપરેશન, પ્રસૂતિ વગેરે માટે ૨૪ કલાક પાણીની જરૂરીયાત રહે છે અને તેથી અહીં પાણીની સુવિધા તમામ માટે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાઈ છે. તેમજ હોસ્પિટલ દ્વારા પૂરતા પ્રમાણમાં બેડ પણ ઉપલબ્ધ કરાવાયા છે અને જો વધુ બેડની જરૂરિયાત ઊભી થાય તેવા સંજોગોમાં દર્દીઓને કોઈપણ પ્રકારની અગવડતા કે હાલાકી ન પડે તે માટે અલાયદા અન્ય વોર્ડની પણ હોસ્પિટલ તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સારવાર તદ્દન નિઃશુલ્ક છે જે બાબતના જરૂરી સાઈન બોર્ડ પણ હોસ્પિટલમાં દર્શાવવામાં આવ્યા છે તેમ છતાં જો કોઈ સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારનું વેતન અથવા પૈસા માંગવામાં આવે તો સત્વરે તેની જાણ વિભાગના વડા અથવા તો હાજર ડોક્ટરને કરવા ડો.નલીની આનંદે અપીલ કરી હતી.