જામનગર શહેરમાં તળાવફળીમાં હનુમાનજી મંદિર પાસે આવેલ ફ્રિઝ રીપેરીંગની દુકાનમાં ગઈકાલે સાંજના સમયે અકસ્માતે આગ ભભૂકી ઉઠતાં આ વિસ્તારમાં અફડાતફડીનો માહોલ છવાયો હતો. દુકાનમાં ફ્રિઝના કમ્પ્રેશરમાં ગેસ હોવાથી ધડાકા થતા આ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.
જામનગર શહેરના ગોવાળની મસ્જિદ પાસે આવેલ તવાવ ફળી વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે આવેલી ફ્રિઝની દુકાનમાં ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યાની આજુબાજુ અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. દુકાનમાં ફ્રિઝનો સામાન તથા કમ્પ્રેશરમાં ગેસ હોવાથી ધડાકા થયા હતાં અને ગણતરીની મિનિટોમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના પરિણામે દુકાનની બાજુમાં આવેલા મકાન સુધી આગ પહોંચી ગઈ હતી. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગ મકાન સુધી પહોંચતા ફાયરના જવાનોએ મકાન ખાલી કરાવ્યું હતું. જો કે, ફાયર વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરાતા સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.