જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતાં નિવૃત્ત વૃદ્ધ ઉપર જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે હુમલાખોરોની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતાં સુખાભાઈ કચરાભાઈ બરબચીયા (ઉ.વ.80) નામના વૃધ્ધ ઉપર મંગળવારે મધ્યરાત્રિના સમયે જૂની અદાવતનો ખાર રાખી જીતુ ઉર્ફે જીતીયો નાગદાન મકવાણા અને તેનો ભાઈ આશિષ ઉર્ફે આશલો નાગદાન મકવાણા નામના બન્નેે ભાઈઓએ વૃદ્ધને આંતરીને લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી હાથમાં તથા બન્ને પગમાં ગંભીર ઈજાઓ કરી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. બે ભાઈઓ દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં બનાવની જાણના આધારે પીએસઆઈ જે.કે. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ હુમલાનો ભોગ બનેલા નિવેદનના આધારે જીતુ અને આશિષ નામના બે ભાઈઓ વિરૂધ્ધ હત્યાનો પ્રયાસનો અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.