જામનગર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાનને તેના ભત્રીજાને આંતરીને છરીના ઘા ઝિંકી હત્યાનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી, સુભાષપરા શેરી નં. 2માં રહેતા વિજય ઉર્ફે વિજલો કેશુભાઇ વરાણીયા નામના યુવાને અનવર કાસમ ખફી અને ઇકબાલ કાસમ ખફી વિરુધ્ધ કરેલી ફરિયાદ અને થોડા દિવસ અગાઉ પોલીસે જુગારની રેઇડ કર્યાનો ખાર રાખી સોમવારે બપોરના સમયે વિજય અને તેનો ભત્રીજો તેના બાઇક પર જતાં હતાં ત્યારે ઉદ્યોગનગર વિસ્તારમાં યુવરાજસિંહ મહોબતસિંહ ક્યોર નામના શખ્સે વિજયના બાઇકના ઓવરટેઇક કરીને આંતરીને અમારા શેઠ અનવર અને ઇકબાલ ખફી વિરુધ્ધ ફરિયાદ કેમ કરો છો? તેમ કહી મારી નાખવાની ધમકી આપી છરી વડે વિજય ઉપર કાનમાં અને ગરદનના ભાગ ઉપર ઘા મારી વિજયના ભત્રીજા સુમિતને માથામાં અને કપાળમાં છરીના ઘા ઝિંકયા હતાં. શખ્સ દ્વારા છરી વડે કરાયેલા હુમલામાં ઘવાયેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં બનાવની જાણ થતાં પીઆઇ કે.એલ. ગાધે તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ વિજયના નિવેદનના આધારે યુવરાજસિંહ મહોબતસિંહ ક્યોર, અનવર અને ઇકબાલ કાસમ ખફી નામના ત્રણ શખ્સો વિરુધ્ધ પૂર્વઆયોજિત કાવતરું રચી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.