ગુનાઈત કેસમાં દોષિત નેતાઓને ચૂંટણી લડવા અયોગ્ય ઠરાવવાની માગણી કરતી અરજી ઉપર બુધવારે દેશની સર્વોચ્ચ અદાલતે સરકારને એક ગંભીર સવાલ કરતાં કહ્યુંં હતું કે, દોષી નેતાઓને સરકાર ક્યારે અયોગ્ય ઠરાવશે?
સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી ઉપર અદાલતે સરકારનું વલણ પૂછ્યું હતું. સર્વોચ્ચ અદાલતે પ્રશ્ન કર્યો હતો કે દોષિત ઠરેલા નેતાઓને ચૂંટણી લડતા અટકાવવા માટે સરકાર ઈચ્છુક છે ખરી?
જેને પગલે કેન્દ્ર સરકારનાં અધિવક્તાએ કહ્યું હતું કે, આ બારામાં નિર્દેશ લેવામાં આવશે. આ પહેલા થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન.વી.રમન્નાએ કહ્યું હતું કે, આ મામલે સુનાવણી થશે. અરજીમાં માગ કરવામાં આવેલી છે કે દોષિત પૂર્વ અથવા વર્તમાન સાંસદો, વિધાયકોને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવવા જોઈએ. તેમનાં ઉપર આજીવન પ્રતિબંધ લાદવો જોઈએ.
ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, આ અરજી દૂરગામી પ્રભાવો અને પરિણામો સાથે પરેશાન કરનારો સવાલ ઉઠાવી રહી છે. આમાં તમામ હિતધારકોને અવસર આપ્યા બાદ ઉચિત તારીખે આ મામલે લાંબી સુનાવણીની આવશ્યકતા દેખાય છે.
અત્યારે બે વર્ષથી વધુ સજા થઈ હોય તેવા લોકોને છ વર્ષ માટે ચૂંટણીમાં પ્રતિબંધિત કરવામાં આવે છે. જ્યારે ભ્રષ્ટાચાર અને એનડીપીએસનાં કેસમાં માત્ર દોષિત ઠરનારને પણ પ્રતિબંધ લાગુ થઈ જાય છે. સીજેઆઈ રમન્ના, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની પીઠ ચૂંટણી સુધારા માટેની ભાજપ નેતા અશ્વિની ઉપાધ્યાયની અરજી ઉપર સુનાવણી કરી રહી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સજાનાં પ્રમાણને બદલે કોઈપણ અપરાધિક કેસમાં દોષી ઠરેલા નેતાને પ્રતિબંધ લાગુ થવો જોઈએ.