- Advertisement -
કલ્યાણપુર પંથકમાં ગત તારીખ 21 મીના યોજાયેલા રોજ લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ થતા આ બનાવના સંદર્ભમાં બે પરવાનેદાર સહિત કુલ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ગત તારીખ 21 મી ના રોજ ચેતરીયા પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. રાત્રિના સમયે આ પરિવારને ત્યાં યોજાયેલા દાંડિયારાસ પ્રસંગમાં હથિયાર પરવાના ધરાવતા મેરામણભાઈ આલાભાઈ ચેતરીયા અને રાણાભાઈ આલાભાઈ ચેતરીયા તેઓની બાર બોરની ગન દાંડીયારાસ સમયે સાથે લઈ આવ્યા હતા.
ઉપરોક્ત બંને આસામીઓના પરવાનાવાળા હથિયાર મેળવી અને આ હથિયાર ચલાવવાનું લાયસન્સ ન હોવા છતાં અનુક્રમે જેઠાભાઈ મેરામણભાઈ ચેતરીયા અને વજશી રાણાભાઈ ચેતરીયા નામના બે શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. લગ્ન પ્રસંગે યોજાયેલા દાંડીયારાસ કાર્યક્રમમાં અનેક પરીવારજનો હોય, અને આવા હથિયારમાંથી ફાયરિંગ થવાના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાની પુરી સંભાવના વચ્ચે આ હથિયારના બે પરવાનેદાર તથા બે ફાયરિંગ કરનાર શખ્સો દ્વારા આ અપરાધ કરવામાં આવ્યો હતો.
લગ્નપ્રસંગમાં કાયદાનું ઉલ્લંઘન કરીને પાક રક્ષણના હથિયારોમાંથી ફાયરિંગ થવા અંગેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આથી કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયાએ જાતે ફરિયાદી બની અને ઉપરોક્ત ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 308 તથા આર્મ્સ એક્ટ અને જી.પી. એકટની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, જુઠાભાઈ મેરામણભાઈ ચેતરીયાની ગઈકાલે અટકાયત કરી હતી.
- Advertisement -