મગફળીનું ઉત્પાદન પાછલી સીઝન કરતા વધારે થવા છતાં આ વર્ષે વપરાશકારોને સીંગતેલના ભાવમાં રાહત મળે તેવા કોઇ ચિહનો દેખાતા નથી. ગયા વર્ષે ચીનની માગને લીધે સીંગતેલ સસ્તું ન થયું અને આ વખતે વિદેશી માગ નથી પણ વધતો વપરાશ અને આયાતી તેલો મોંઘા હોવાને લીધે સીંગતેલનો ડબો હવે સસ્તો થાય તેવી સ્થિતિ રહી નથી.
સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં બારમાસી ખરીદી નીકળતી હોય છે. એ વખતે ગ્રાહકો ભાવ ઘટવાની રાહ જોતા હોય છે પણ આ વખતે ય ખરીદી માટે બહુ રાહ જોવા જેવું નથી તેવું તેલ ઉદ્યોગના અગ્રણીઓ કહે છે.
પાછોતરા વરસાદને લીધે ખેડૂતોને ધાર્યા ઉતારા ન મળતાં પાકનો અંદાજ 34-38 લાખમાંથી ગબડીને 28-30 લાખની અંદર રહેવાના અંદાજ છે એ પણ સીંગતેલ ઘટવા દેશે નહીં. એ સિવાય સરકારી ટેકાના ભાવ રૂ. 1110થી ઉંચા ભાવ એટલેકે રૂ. 1150થી 1300 સુધીના ભાવ ખેડૂતોને ખૂલ્લા બજારમાં મળતા હોવાથી સરકારી ખરીદી સ્થળો પર ખેડૂતોનો નિરૂત્સાહ જોવા મળે છે. પીલાણમાં આ ભાવને લીધે ડિસ્પેરીટી છે એટલે તેલ મિલો સસ્તું વેંચી શકે તેમ નથી.
સોમા પ્રમુખ કિશોર વિરડીયા કહે છે કે, સીંગતેલના ભાવમાં મોટી તેજી-મંદી થવાની સંભાવના નથી. ડિસેમ્બરમાં બારમાસી ઘરાકી નીકળે ત્યારે ભાવ ઉછળે તેવી શકયતાને નકારી શકાતી નથી. તેમણે એવું પણ કહ્યું કે મગફળીના સરકારી ભાવ રૂ. 1110માં મગફળી ખરીદીને તેલ બનાવીએ તો રૂ. 1325-1350માં પડે છે. એ જોતા સીંગતેલના ભાવ અત્યારે વાજબી છે. સીંગતેલના ભાવ ન ઘટવા પાછળ તેમણે આયાતી તેલો પણ ઉંચા મથાળે હોવાનું કહ્યું હતું.
સીંગતેલના ડબાનો ભાવ એક વખત રૂ. 2750-2800ની સપાટીએ પહોંચી ગયો હતો. પણ અત્યારે રૂ. 2350-2400ની સપાટીએ હોવાથી ભાવ ગબડી ચૂકયો છે. એ કારણે હવે વધુ ઘટાડાની શકયતા નહીવત છે.
તેમણે એવું પણ કહ્યું કે, સીંગતેલમાં 1 વર્ષમાં માત્ર 20 ટકા જ ભાવ વધ્યા છે. જયારે અન્ય ખાદ્યતેલોના ભાવ 40થી60 ટકા વધી ગયા છે. સીંગતેલનો ભાવ ન ઘટવાનું આ પણ એક મોટુ કારણ તેમણે ગણાવ્યું હતું.
અગ્રણી તેલ મિલર સમીર શાહે કહ્યું કે, માલની પૂરતી મળતર છે. સ્થાનિક ઘરાકી સારી છે. મગફળીના ભાવ ઉંચકાવા પાછળ સીંગખોળ આભારી છે.ખોળમાં બહુ તેજી છે. ગુજરાત બહાર સામાન્ય જથ્થામાં સીંગતેલ મોકલાઈ રહ્યું છે. ચીન સહિતના બહારના દેશોમાંથી હાલ કોઈ માગ નથી. સીંગતેલના ભાવની વધઘટ બાબતે તેમણે કહ્યું કે, ભાવ ઘટવાની ઓછી સંભાવના વચ્ચે વધવાની શકયતા વધુ મજબુત દેખાય છે.


