અમદાવાદ એ.ટી.એસ અને જામનગર એસ.ઓ.જીની ટીમ એ જામનગર ના બેડી રોડ ખાતે થી રૂ . ૧૦ કરોડની કિમતનો ૨ કીલો હેરોઇનનો જથ્થો ઝડપી પાડયો છે. અગાઉના ડ્રગ્સ કાંડમાં મળેલ માહિતીના આધારે આરોપીને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયા બાદ મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામેથી એટીએસ દ્વારા ૧૧૮ કિલો જેટલા ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા બાદ આ ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલ અને હાલ પોલીસ રિમાન્ડમાં રહેલા આરોપીઓએ પોલીસની આકરી પૂછપરછ દરમિયાન વધુ જથ્થા અંગે કબૂલાત આપી હતી.
એટીએસની ટિમ દ્વારા ગત તા . ૨૧ નવેમ્બરના ડ્રગ્સ કાંડમાં વધુ ૪ આરોપીઓની અટક કરવામાં આવી હતી. તથા તેઓના રીમાન્ડ લેવા માટે કોર્ટમાં રજુ કરાયા હતા. આ દરમિયાન કોર્ટે આરોપીઓના ૧૦ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. જે આરોપીઓની રીમાન્ડ દરમ્યાન પૂછપરછ કરતા જાણવા મળેલ કે પકડાયેલ આરોપી રહીમ હાજી અકબર (ઉ.વ. ૩૫) રહે. જોડીયા , મોટા વાસ, બંદર રોડ, તા . જોડીયાવાળાએ આ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી અનવર ઉર્ફે અન્નુ મુસ્સાભાઇ પટેલીયાની સાથે બોટ લઈ જખૌ દરીયામાંથી હેરોઇનનો જથ્થો લાવેલ હતો. જે જથ્થામાંથી અમુક જથ્થો રહીમહાજીએ પોતાની પાસે સંતાડી રાખેલ હોવાનું જણાવ્યુ હતું.જેને પગલે એ.ટી.એસ.ની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી આ રહીમ હાજીના જણાવ્યા મુજબ તેને સાથે રાખી જામનગર બેડી રોડ ખાતેથી આશરે રૂ . ૧૦ કરોડની કિમતનો ૨ કીલો હેરોઇનનો જથ્થો શોધી કાઢી તપાસાર્થે કબજે કર્યો છે.