ફિલ્મ અભિનેત્રી કંગના રાણાવત દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરૂધ્ધ કરેલ ટિપ્પણીના વિરોધમાં જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
જેમાં જણાવ્યું છે કે, કંગના રાણાવત દ્વારા અવારનવાર દેશની શાંતિ અને ભાઇચારો બગડે તેવા નિવેદનો આપે છે હાલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરૂધ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. કંગના રાણાવતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહાત્મા ગાંધીને સત્તાના ભૂખ્યા અને ચાલાક ગણાવ્યા છે. વધુમાં કોઇપણ આધાર પૂરાવા વગર ગાંધી ઇચ્છતા હતા કે, ભગતસિંહને ફાંસી થાય તેવી વાતો પણ કરી છે. જે દેશ તથા સમાજ માટે ખતરારૂપ છે અને દેશદ્રોહ જેવો માહોલ સર્જયો છે. આથી કંગના રાણાવત ઉપર ઇ.પી.કો. કલમ 504, 505, 124-એ મુજબ ફરિયાદ નોંધી એફઆઇઆરની વિનામૂલ્યે પૂરી પાડી આરોપી કંગનાની ધરપકડ કરી જેલહવાલે કરવા મહિલા કોંગ્રેસ દ્વારા માંગણી કરાઇ છે.
આ તકે જામનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, કોર્પોરેટરો જેનબબેન ખફી, રચનાબેન નંદાણીયા સહિતના મહિલા કોંગ્રેસના હોદેદારો, અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.