ટી-20 વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પ્રથમ ટી-20 મેચ રમાવાની છે. ભારતના કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થયો હોવાથી રાહુલ દ્રવિડ ઈન્ડિયાના કોચ તરીકે રહેશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ છોડ્યા બાદ ટીમનો કેપ્ટન રોહિત શર્મા છે, જ્યારે વિરાટને ટી-20 શ્રેણી માટે બ્રેક આપવામાં આવ્યો છે, તેથી ભારતીય ટીમ નવા કોચ અને કેપ્ટન સાથે મેદાનમાં ઊતરશે.
ન્યૂઝીલેન્ડની ટીમની કેપ્ટનશિપ સાઉથી કરવાનો છે. વિલિયમ્સને ટેસ્ટ સિરીઝ માટે ટી-20માંથી સિરીઝમાંથી બ્રેક લીધો છે. ન્યૂઝીલેન્ડની ટીમ તાજેતરના વર્લ્ડ કપમાં ફાઈનલ સુધી પહોંચી હતી, જ્યાં ઓસ્ટ્રેલિયા સામે એની હાર થઈ હતી. ટીમ સખત ફોર્મામાં છે. ન્યૂઝીલેન્ડની સામે ભારતનો ટી-20 રેકોર્ડ એટલો પણ સારો નથી. ઈન્ડિયન ટીમ યુવાઓથી ભરપૂર છે, તેથી ન્યૂઝીલેન્ડ જેવા હરીફ સામે તેમની આકરી કસોટી થશે.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આઠ વર્ષ બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જયપુરમાં પણ શિયાળાનું આગમન થઈ ગયું છે. જોકે રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનના અધિકારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફનું કહેવું છે કે છેલ્લા બે દિવસમાં 7 વાગ્યાની આસપાસ ઝાકળ પડવાનું શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં બંને ટીમોને આનાથી સમાન રીતે ફાયદો થશે. અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું- જયપુરમાં પ્રથમ ઈનિંગ્સથી જ ઝાકળ પડવાનું શરૂ થશે. આ કારણે ટોસનો ફાયદો નહિવત રહેશે. છેલ્લા બે દિવસથી આવું બની રહ્યું છે. આ ટી-20 મેચ છે, તેથી અમે આ પિચ પર ઘણા રનની અપેક્ષા રાખી શકીએ છીએ. અમે મેચ પહેલાં ઝાકળ દૂર કરનાર સ્પ્રેનો પણ ઉપયોગ કરીશું, પરંતુ એનો વધુ ફાયદો મળશે તેમ લાગતું નથી.
જયપુરમાં છેલ્લી મેચ 2013માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ત્યાર બાદ ભારતે ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 359 રનનો ટાર્ગેટ 43.3 ઓવરમાં ચેઝ કરી દીધો હતો. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. રાજસ્થાન ક્રિકેટમાં વહીવટી ખામીઓને કારણે આઠ વર્ષ સુધી મેદાનને મેચથી દૂર રાખવામાં આવ્યું હતું. આ મેચ પછી જયપુર મેદાન ફેબ્રુઆરીમાં એક ODIની પણ યજમાની કરશે. જયપુરમાં દર્શકો પર કોઈ પ્રતિબંધ નથી અને લોકો સ્ટેડિયમમાં સંપૂર્ણ ક્ષમતા સાથે આવીને મેચ જોઈ શકશે. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 25000 લોકો બેસી શકે છે. ટિકિટ ઓનલાઈન થયાના ત્રણ કલાકમાં જ આઠ હજાર ટિકિટ વેચાઈ હતી. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના સચિવ મહેન્દ્ર વર્માએ કહ્યું હતું કે ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીથી લોકોમાં ખુશીનો માહોલ છે.
આ સિરીઝ સાથે ભારતમાં ક્રિકેટ પાછું આવશે, જે છેલ્લા આઠ મહિનાથી બંધ છે. મે મહિનામાં IPL સ્થગિત થયા બાદ ભારતમાં ક્રિકેટ રમાઈ નથી, જેને કારણે આ વર્ષે ભારતમાં યોજાનારા વર્લ્ડ કપને યુએઈમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીના આયોજકોએ દર્શકોને વેક્સિનના ઓછામાં ઓછા એક ડોઝ સાથે આવવાની મંજૂરી આપી છે. આ સાથે તેમની પાસે નેગેટિવ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ પણ હોવો જરૂરી છે.


