જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારમાં રહેતાં યુવાન તેની બાઈક પર ઠેબા ચોકડી પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન બેફીકરાઈથી આવતા ટ્રકે ઠોકર મારી હડફેટે લેતા યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારમાં રહેતાં વસંતભાઈ ભવાનભાઈ પરમાર નામના યુવાન મંગળવારે સવારના સમયે તેના જીજે-10-ડીબી-6962 નંબરના બાઈક પર ઠેબા ચોકડી સામેના રોડ પરથી પસાર થતા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-10-ટીવી-9979 નંબરના ટ્રકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર વસંતભાઈને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકી નાશી ગયો હતો. બાદમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ વિનોદ દ્વારા જાણ કરાતા ઈન્ચાર્જ પીએસઆઇ એમ.આર. સવસેટા તથા સ્ટાફે હોસ્પિટલ અને સ્થળ પર પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી નાશી ગયેલા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.