Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરની સુમરા ચાલીમાં નજીવી બાબતે સશસ્ત્ર જૂથ અથડામણ

જામનગર શહેરની સુમરા ચાલીમાં નજીવી બાબતે સશસ્ત્ર જૂથ અથડામણ

બોલાચાલીનું મનદુ:ખ રાખી તલવાર-પાઇપ-છરી વડે સામસામા જીવલેણ હુમલા : અડધો ડઝનથી વધુ વ્યક્તિઓ ઘવાયા : પોલીસ દ્વારા હોસ્પિટલે અને ઘટનાસ્થળે બંદોબસ્ત : બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી

- Advertisement -

 

- Advertisement -

જામનગરમાં શહેરમાં કિશાન ચોક ઉનની કંદોરી પાસે આવેલા સુમરા ચાલી વિસ્તારમાં બોલાચાલીનો ખાર રાખી બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. આ સશસ્ત્ર અથડામણમાં અડધો ડઝન જેટલા ઘવાયેલા લોકોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બન્ને જુથો સામ-સામે આવી જતાં વાતાવરણ તંગ બની જતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.


આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કિશાન ચોક પાસે ઉનની કંદોરી નજીકના સુમરા ચાલી વિસ્તારમાં રહેતા તૌસિફ બાઈક પર નિકળ્યો ત્યારે તેની સાથે બોલાચાલી કર્યાનો ખાર રાખી રવિવારે બપોરના સમયે મુનાફ આમદ ખફી, આમદ દોસમામદ ખફી, તૌસિફ આમદ ખફી, જરીનાબેન આમદ ખફી, સફીનબેન આમદ ખફી સહિતના પાંચ શખ્સોએ તલવાર, છરી, લાકડાના ધોકા જેવા સશસ્ત્રો સાથે આવીને બસીર આમદ ખફી અને મુસ્તાક હારુન ખફી નામના યુવાન ઉપર આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો તેમજ આમદ પુંજા, કાસમ, વસીમ નામના ત્રણ વ્યકિતઓ વચ્ચે પડતા તેના ઉપર લાકડાના ધોકા અને તલવાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ કાસમના હાથમાં છરીનો ઘા ઝીંકી ઈજા કરી હતી.

- Advertisement -


પાંચ શખ્સો દ્વારા કરાયેલા હુમલાના કારણે સામા પક્ષે પણ સશસ્ત્ર હુમલો કરવામાં આવતા બન્ને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આમદ પુંજા, વસીમ કાસમ ખફી, બસીર આમદ ખફી, કાસમ આમદ ખફી, મુસ્તાક હારુન ખફી, અબ્દુલ કાદર હારુન ખફી, સોહિલ કાસમ આમદ ખફી અને ફૈઝલ આમદ ખફી નામના આઠ શખ્સોએ એક સંપ કરી તલવાર, છરી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે મુનાફ આમદ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલો થતા વચ્ચે પડેલા આમદભાઈ, ઝરીનાબેન, સફિનાબેન વચ્ચે પડતા તેના ઉપર લોખંડના પાઈપ અને ઢીકાપાટુનો તથા લાકડાના ધોકા વડે માર માર્યો હતો. બન્ને જૂથ વચ્ચે સામસામી સશસ્ત્ર અથડામણમાં અડધો ડઝનથી વધુ વ્યક્તિઓ ઘવાયા હતાં. જેઓને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બન્ને જૂથો ફરીથી સામ-સામે આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. જેથી પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.


જૂથ અથડામણમાં પીઆઈ એમ.જે.જલુ, પીએસઆઈ વી.કે. રાતિયા, એમ.વી. મોઢવાડિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ જૂથ અથડામણના બનાવમાં બસીર આમદ ખફીની પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસની તથા સામા પક્ષે મુનાફ આમદ ખફીની આઠ શખ્સો વિરૂધ્ધ હત્યાનો પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ બન્ને પક્ષની સામ-સામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular