ભારતભરમાં ચાલુ વર્ષે કાતિલ ઠંડી પડશે એવો વર્તારો કરવામાં આવ્યો છે. પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ સર્જાવાના કારણે ઠંડીમાં વધારો થશે. દિવાળીના તહેવાર ટાણે જ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં ન્યૂનતમ તાપમાન 3 ડિગ્રી ઘટવાની સંભાવના છે. આ સાથે જ ઠંડીનો ચમકારો વધશે.
દિવાળીની શરૂઆત થતા પહેલાં જ રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બેવડી સિઝનના કારણે ઋતુજન્ય બીમારી પણ વધી છે. જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડીગ્રી જયારે ન્યુનતમ તાપમાન 20ડીગ્રી રહેવાનું અનુમાન છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. સૌથી ઓછુ તાપમાન સાબરકાઠાંમાં 18 ડિગ્રી નોંધાયુ છે. હવામાન વિભાગના મતે 1થી4 નવેમ્બર સુધીમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારમાં હજુ વધારો થઇ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પ્રશાંત મહાસાગરમાં લા નીના ઈફેક્ટ સર્જાઈ છે. તેના કારણે સાગરની સપાટી ઠંડી થઈ જશે અને દરિયામાંથી આવતો પવન ભારતભરમાં આકરી ઠંડી લાવશે. સામાન્ય અર્થ એવો થયો કે ઉત્તર ગોળાર્ધમાં આ વર્ષે તાપમાનનો પારો વધારે ગગડશે. તેની સીધી અસર ભારત સહિતના દેશોમાં પડશે. ઉત્તર ભારતને આ કાતિલ શિયાળાની સૌથી વધુ અસર થશે.