કાલાવડ તાલુકાના અરલા ગામમાં ફુલઝર-2 નદીના કાઠે આવેલી ગ્રામ પંચાયત હસ્તકની ઓરડીમાંથી અજાણ્યા તસ્કરોએ હથીયાર વડે દરવાજાનો નકુચો તોડી રૂા.32,000ની કિંમતમાં કેબલ વાયરની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના અરલા ગામે આવેલ ફુલઝર-2 નદીના કાંઠે આવેલી ગ્રામપંચાયત હસ્તકને ઓરડીમાં ગત તા. 22ની રાત્રીના તસ્કરોએ તિક્ષ્ણ હથિયારો વડે દરવાજાના નકુચો તોડી અંદર પ્રવેશ કરી ઓરડીમાં રાખેલી 350 મીટરનો કેબલ તેમજ ઓરડીથી બોર સુધી પાથરેલો 50 મીટરનો કેબલ વાયર મળી કુલ 400 મીટરનો 6 કેજી પટ્ટીવાળો રૂા.32,000ના કેબલની ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ થતાં અરલા ગામના સરપંચ સમજૂબેન કોયાણી દ્વારા જાણ કરતાં પ્રો.પીઆઇ પી.પી.ઝા તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.