જામનગરમાં રખડતાં ઢોરના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ચુકયા છે. શહેરનો એકપણ માર્ગ એવો નહીં હોય જયાં રખડતાં ઢોર જોવા ન મળે. આ રખડતાં ઢોરે અનેક વખત શહેરીજનોને હડફેટે લીધાં છે અને અકસ્માતના બનાવો પણ બન્યો છે. ત્યારે છેલ્લાં થોડા દિવસોથી જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતાં-ભટકતાં ઢોર પકડવા કાર્યવાહી હાથધરવામાં આવી છે. જેમાં ગત્ અઠવાડિયા દરમ્યાન કુલ 96 જેટલાં ઢોર પકડવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં રખડતા ઢોરોનો વધતા જતાં ત્રાસ દીન-પ્રતિદીન વધી રહ્યો છે. ત્યારે આગામી તહેવારોને ધ્યાને લઈને જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફીકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દુર કરવા સઘન ઝુંબેશ હાથ હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવા માટે 4 ટીમો તૈયાર કરી દૈનિક બે શિફટમાં કામગીરી કરવામાં આવે છે. ગત અઠવાડીયામાં કુલ 96 જેટલા ઢોરોને પકડવામાં આવ્યા છે. તેમજ ચાલુ વર્ષ કુલ 1500 ઢોરોને અમદાવાદ સ્થિત ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવી છે.
તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ-રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે અને જાહેર રોડ-રસ્તા ઉપર ખાનગી માલિકીના ઢોરો પકડાશે. તો ઢોર માલિકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક માલિકોએ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી છે.