ભાણવડ ખાતે રહેતા એક મહિલાએ ગુરુવારે રાત્રીના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધાના પ્રકરણમાં મૃતક મહિલાના ભાઈ દ્વારા તેણીના પતિ, સાસુ તથા સસરા સામે પોતાના બહેનને કવેણ કહી, ત્રાસ ગુજારી, મરી જવા માટે મજબૂર કરવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડના પારસનગર વિસ્તારમાં રહેતા ચંપાબેન ઉર્ફે દક્ષાબેન મહેશભાઈ સાદીયા નામના 30 વર્ષના અનુ. જાતિના મહિલાએ ગુરુવારે રાત્રીના આશરે બારેક વાગ્યે પોતાના ઘરે રૂમમાં પંખા પર સાડી વળે ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નીપજયું હતું. આ પ્રકરણ સંદર્ભે મૃતકના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા ભાઈ રાણાભાઈ જેસાભાઈ બાબરીયા (ઉ.વ. 36) એ પોતાના બહેન ચંપાબેનના પતિ મહેશ ડાયાભાઈ સાદીયા, સસરા ડાયાભાઈ જેતાભાઈ સાદીયા, અને સાસુ ભાનુબેન ડાયાભાઈ સાદીયા સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આરોપી પતિ મહેશના લગ્ન ચંપાબેન ઉર્ફે દક્ષાબેન સાથે પ્રથમ વખત આશરે છ વર્ષ પૂર્વે થયા હતા. બાદમાં પતિના ત્રાસથી છુટાછેડા લીધા બાદ પુન: સમાધાન કરી અને બીજી વખત ચંપાબેન ઉર્ફે દક્ષાબેન સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. તેઓને સંતાન ન થતાં ‘તને છોકરા થતા નથી, તું વાંઝણી છો’- તેમ કહી, મારકૂટ કરી અને સાસરિયાઓ દ્વારા દુ:ખ-ત્રાસ આપવામાં આવતો હતો.
આરોપી સાસરિયાઓએ તેણીને મારકૂટ કરી,- ‘તું મરીજા, અમો મોં દેખાડતી નહી’- તેમ કહેતા આ કાયમના કંકાસથી કંટાળીને તેણી મરી જવા માટે મજબૂર બની હતી અને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 306, 498 (ક), 323 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. નિકુંજ જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભાણવડની પરિણીતાના આપઘાત પ્રકરણમાં મરવા માટે મજબૂર કરતા ત્રણ સાસરીયાઓ સામે ગુનો નોંધાયો
સંતાન ન થતાં સાસરિયાઓના ત્રાસથી કંટાળી અને અંતિમ પગલું ભર્યું