બીએસએફનું અધિકારક્ષેત્ર વિસ્તારવા અંગે કેન્દ્ર અને વિરોધ પક્ષ-શાસિત રાજ્યો વચ્ચે સત્તાનો સંઘર્ષ શરૂ થયો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણાવી આ સંદર્ભે ચર્ચા બિનજરૂરી ગણાવી છે.
જોકે, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પંજાબ, પ.બંગાળ અને આસામમાં બીએસએફના અધિકારક્ષેત્રને વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયને એકતરફી ગણાવ્યો છે અને આ વર્ષે ગુજરાતના અદાણી પોર્ટ પરથી થઈ રહેલી હેરોઈનની હેરફેર પરથી ધ્યાન હટાવવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ ર્ક્યો છે.
કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટર પર હેરોઈનના જથ્થાની હેરફેરની ક્રોનોલોજી સમજાવતાં જણાવ્યું હતું કે આ વર્ષે 9 જૂને અદાણી પોર્ટ પરથી 25,000 કિલોગ્રામ હેરોઈન પકડાયું, 13 સપ્ટેમ્બરે 3000 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરાયું. પંજાબમાં બીએસએફનું અધિકારક્ષેત્ર 15 કિલોમીટરથી 50 કિલોમીટર’ કરાયું. સમવાયતંત્ર ખતમ કરવાનું સરકારનું કાવતરું સ્પષ્ટ છે.
ગૃહ મંત્રાલયે પંજાબ, બંગાળ અને આસામમાં બીએસએફના અધિકારક્ષેત્રને 15 કિલોમીટરથી 50 કિલોમીટર કરવાનો નિર્ણય લીધા બાદ કોંગ્રેસે સરકારના નિર્ણયની ટીકા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બીએસએફનું અધિકારક્ષેત્ર 80 કિલોમીટરથી ઘટાડીને 50 કિલોમીટર કરાયું છે, જ્યારે ઈશાનનાં પાંચ રાજ્યો, જમ્મુ અને કાશ્મીર, લદાખ અને રાજસ્થાનમાં આ અધિકારક્ષેત્ર 50 કિલોમીટર છે જેમાં ફેરફાર કરાયો નથી. નવા આદેશનો અર્થ બીએસએફ હવે વધુ વિસ્તારમાં તપાસ અને ધરપકડ કરી શકે છે.
રાજયો-કેન્દ્ર સરકાર વચ્ચેનાં સંબંધોમાં નવો વિવાદ : મામલો BSFનો !
દેશનાં સમવાયતંત્રને સમાપ્ત કરવાનું કાવતરું : કોંગ્રેસ