દ્વારકા તાલુકા હેલ્થ કચેરીમાં આશરે એક પખવાડિયા પહેલાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર દ્વારા ફીમેલ હેલ્થ વર્કરને ફડાકા ઝીંકાયાનું પ્રકરણ જિલ્લા સુધી ગૂંજયું બાદ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ હોવા છતાં ગાજયા મેઘ વરસ્યા ન હોય તેમ મુખ્ય સુત્રધારને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યા સિવાય કોઇ જ પગલાં લેવાયા નથી. જ્યારે ‘ઉલ્ટા ચોર કોટવાલ ને દંડે’ તેમ ભોગ બનનાર મહિલા કર્મીની તાત્કાલિક ભાણવડ ખાતે બદલી કરી દેવાતા સમગ્ર મામલે અનેક તર્કવિર્તકો થઈ રહ્યા છે. આ સાથે જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ મુખ્ય સૂત્રધારે કરેલા ખુલાસો પછી પણ પગલાં લેવામાં ઢીલી નીતિથી સમગ્ર મામલે આરોગ્ય અધિકારી દ્વારા ઢાંકપીછોડો કરાઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહયું છે.
આ પ્રકરણમાં સીસીટીવીમાં કેદ થયેલી તસ્વીરો અંગે કોઇને છાવરવામાં આવશે નહીં તેવો એક સપ્તાહ પહેલાં દાવો કરનાર દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરિયાએ જણાવ્યું હતું કે, બનાવ અંગે જવાબદાર આરોગ્યકર્મીને નોટીસ પાઠવાયેલ હોય જેનો જવાબ મળી ગયેલ છે અને આ પ્રકરણ અંગે હજુ તપાસ ચાલુ છે. આ સાથે ભોગ બનનાર મહિલા આરોગ્ય કર્મચારીની પણ અગાઉની માંગણીને આધારે ભાણવડ બદલી કરાઇ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જો કે, અગાઉની માંગને આધારે પણ જો બદલી કરાઇ હોય તો પણ બદલીના સમયે અંગે તો સવાલો ઉઠી જ રહ્યા છે. બીજી તરફ ફડાકા કાંડના મુખ્ય સુત્રધાર વિરુધ્ધ પ્રકરણમાં જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કયારે પગલાં લેવાશે તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.
દ્વારકા તાલુકા આરોગ્ય કચેરીમાં ફડાકા પ્રકરણની તપાસમાં ઢીલી નીતિ
તાલુકા હેલ્થ સુપરવાઈઝરે મહિલા હેલ્થ વર્કરને ફડાકા ઝીંકયાનું પ્રકરણ સીસીટીવીમાં કેદ : ભોગ બનનાર મહિલાકર્મીની તાત્કાલિક બદલી…! : ફડાકા ઝીંકનાર સુપરવાઈઝરનો માત્ર ખુલાસો મંગાયો!