જામનગર શહેરમાં રવિવારની મધ્યરાત્રિના સમયે તળાવની પાળે યુવાન ઉપર દંપતી સહિત ચાર શખ્સોએ હુમલો કરી છરીના આડેધડ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજયપ્લોટ શેરી નં.52 મા રહેતાં દિલીપ કાંતિભાઈ નંદા નામના યુવાનને રવિવારે મધ્યરાત્રિના દોઢ વાગ્યાના અરસામાં તળાવમાં પાળે હોટલ પાસે આંતરીને ધવલ જેન્તી ચાન્દ્રા, મીતલ ધવલ ચાન્દ્રા, હિતેન જેન્તી ચાન્દ્રા અને હિમાંશુ અશ્ર્વિન મંગી નામના ચાર શખ્સોએ આંતરી લીધો હતો અને ધવલે ‘તુ મારી બહેન માયા સાથે કેમ સંબંધ રાખે છે ?’ તેમ કહી અપશબ્દો કહી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ ધવલે હિમાંશુ પાસેથી છરી લઇ દિલીપ ઉપર છરીના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ આર.કે.ગુસાઈ તથા સ્ટાફે કાંતિભાઈ નંદાના નિવેદનના આધારે ચાર શખ્સો વિરુધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.