દેવભૂમિ દ્વારકામાં ઈમેઇલ આઇડી દ્વારા ધમકી આપી પચ્ચાસ હજારની રકમ નહીં આપો તો પુત્રને પતાવી દેવાની અને દુકાનને બોમ્બધડાકાથી ઉડાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં સાઈબર સેલ દ્વારા જુવાનપુર ગામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વેપારીને ઈમેઈલ આઇડી દ્વારા મેઈલ કરી અને રૂા. 50 હજારની માંગણી કરી હતી અને જો સમયમર્યાદામાં રૂપિયા નહીં આપે તો તમારા પુત્રને પતાવી દેવાની અને દુકાનને બોમ્બબ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલની તપાસ જિલ્લા પોલીસવડા સુનિલ જોશીની સૂચનાથી ડીવાયએસપી વિરેન્દ્ર ચૌધરી અને એલસીબી પીઆઈ જે.એમ. ચાવડા તથા સાઈબર ક્રાઈમ સેલના પીઆઈ પી.સી. સીંગરખીયા, પીએસઆઇ એફ.બી.ગગનીયા સહિતના સ્ટાફે તપાસ દરમિયાન કલ્યાણપુર જિલ્લાના જુવાનપર ગામમાં રહેતો હિરેન મુળજી બારાઇ નામના શખ્સે તેના મોબાઇલ ફોનમાં રહેલા ઈમેઇલ આઈડી બનાવી ધમકી ભરેલો મેઇલ કર્યાનું ખુલતા પોલીસે હિરેનની પૂછપરછ હાથ ધરતા હિરેને ધમકી ભરેલો મેઇલ કર્યાની કેફિયત આપી હતી. જેથી પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દ્વારકામાં રૂપિયાની માંગણીમાં ધમકી ભરેલો મેઈલ કરનાર શખ્સની ધરપકડ
50 હજાર નહીં આપો તો પુત્રને પતાવી દેવાની અને દુકાનને બોમ્બધડાકાથી ઉડાવી દેવાની ધમકી : જુવાનપરના શખ્સની અટકાયત


