Friday, January 10, 2025
Homeરાજ્યઓખા પાલિકામાં સતાનું પુનરાવર્તન: દ્વારકાની પેટાચૂંટણીમાં ભાજપની જીત

ઓખા પાલિકામાં સતાનું પુનરાવર્તન: દ્વારકાની પેટાચૂંટણીમાં ભાજપની જીત

- Advertisement -

સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જુદી જુદી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણી સંદર્ભે ઓખા નગરપાલિકાની સામાન્ય, ભાણવડ નગરપાલિકાની પેટાચૂંટણી તથા દ્વારકા નગરપાલિકાની એક બેઠકની તેમજ દ્વારકા તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણી મળી કુલ ચાર ચૂંટણી સંદર્ભેનું મતદાન રવિવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગયું હતું. આ મતદાન બાદ ગઈકાલે મંગળવારે સ્થાનિક સ્તરે મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં દ્વારકા નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જ્યારે ઓખા નગરપાલીકામાં તોતિંગ બહુમતી સાથે ભાજપનો ભગવો વધુ એક વખત લહેરાયો છે. આ ઉપરાંત દ્વારકા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની એક બેઠક તથા તાલુકા પંચાયતની ટુંપણી બેઠક પર ભાજપ ઉમેદવાર વિજેતા બન્યા છે.

ઓખા નગરપાલીકામાં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો કબજો છે. ઓખામંડળના ભાજપના તત્કાલિન ધારાસભ્ય પબુભા માણેકના વર્ચસ્વ હેઠળની ઓખા નગરપાલિકાની ચૂંટણી માટેના રવિવારે સંપન્ન થયેલા મતદાન બાદ ગઈકાલે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં પ્રારંભથી જ ભાજપ આગળ રહ્યું હતું. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂર્વે પાલિકાની બે બેઠક ભાજપ તરફે બિનહરીફ થઇ ગઇ હતી. 9 વોર્ડ માટેના 36 પૈકી 34 સભ્યો માટેની હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપના 32 ઉમેદવારો વિજેતા થયા હતા. જ્યારે કોંગ્રેસને વોર્ડ નં. બે માં જ માત્ર બે બેઠક મળી હતી. આમ, 36 પૈકી 34 બેઠકો મેળવી અને ભાજપે તોતિંગ વિજય મેળવ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર વિજેતા બન્યા નથી. ઓખા નગર પાલિકામાં સત્તાનું પુનરાવર્તન થતાં ભાજપના આગેવાનો તથા કાર્યકરો ગેલમાં આવી ગયા છે. ઓખા નગરપાલીકાનાં સતત ચોથી ટર્મમાં વિજેતા બનતા આ પરિણામથી ઓખામાં ઉજવણીનો માહોલ છવાયો હતો.

દ્વારકા નગરપાલિકાના વોર્ડ નંબર 5 ની ખાલી પડેલી એક બેઠક તથા ટુંપણી તાલુકા પંચાયતની એક બેઠક માટેની મતગણતરીમાં બંને બેઠક ભાજપના ફાળે ગઇ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે જિલ્લા સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી, બીનાબેન આચાર્ય, ખીમભાઈ જોગલ, વિગેરે દ્વારા મહત્તમ બેઠક કબજે કરવા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં કરવામાં આવી હતી. આ વચ્ચે સમગ્ર રાજ્યની જેમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીનો કરુણ રકાસ થયો છે અને સામાન્ય કે પેટાચૂંટણીમાં આપને એક પણ બેઠક મળી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular