ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી મામલે એફઆઇઆર દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમા કહેવામાં આવ્યું છે કે, 3 ઓક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન લખીમપુર ખીરીમાં બનેલી ઘટનાના સંબંધમાં ગૃહ મંત્રાલય અને પોલીસને નિર્દેશ આપવામાં આવે કે એફઆઇઆર નોંધીને આ ઘટનામાં સામેલ મંત્રીઓને સજા કરવામાં આવે.
બે વકીલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં આ માગ પણ કરવામાં આવી છે કે, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કેસની ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ કરવામાં આવે જેમા સીબીઆઇને પણ સામેલ કરવામાં આવે.
લખીમપુર ખીરીથી બે વારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાના વિરોધમાં રવિવારે ત્યાંના આંદોલનકારી ખેડૂતોએ તેમના પૈતૃક ગામ બનબીરપુરમાં આયોજીત એક સમારોહમાં ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના જવાનો વિરોધ કર્યો અને ત્યાર બાદ ભડકેલી હિંસામાં 4 ખેડૂતો સહિત 8 લોકોના મોત થયા. ખેડૂતોનો આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી મિશ્રાનો પુત્ર જે એસયૂવીમાં સવાર હતો તેણે જ ખેડૂતોને કચડી નાખ્યા, જેમા 4 ખેડૂતોના મોત થયા. જો કે મિશ્રાએ આ આરોપને નકારી કાઢ્યા છે.
આ ઘટના બાદ રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. વિપક્ષ સતત બીજેપી સરકારને જવાબદાર ગણાવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, દીપેન્દ્ર હૂડા,કુલદીપ વત્સ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ સહિત 10 નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પ્રિયંકા ગાંધીએ આ ઘટનાનો વિડિયો શેર કર્યો છે અને જાહેરમાં પ્રધાનમંત્રીને પૂછયું છે કે, મોદીજી તમે આ વિડિયો જોયો?


