જામનગરથી અમદાવાદ જતી પાવન ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી રહેલા વૃધ્ધ ચાલુ બસે દરવાજો ખુલ્લો હોવાથી નીચે પટકાતા પગમાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ રાઘવજીભાઈ ચાવડા (ઉ.વ.65) નામના વૃદ્ધ સોમવારે રાત્રિના સમયે જામનગરથી અમદાવાદ જતી પાવન ટ્રાવેલ્સની જીજે-11-વીવી-4600 નંબરની લકઝરી બસમાં મુસાફરી કરી રહ્યાં હતાં તે દરમિયાન બસ જામનગરથી આઠ કિ.મી. દૂર હાઈવે પર પૂરઝડપે જઈ રહી હતી તે દરમિયાન બસનો દરવાજો ખુલ્લો હોવાથી મુસાફરી કરી રહેલા ગોવિંદભાઈ બસમાંથી નીચે પડી ગયા હતાં જેના કારણે પગમાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર ઉદિતભાઈ દ્વારા જાણ કરાતા ઈન્ચાર્જ પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી લકઝરી બસના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર નજીક ચાલુ બસે ખુલ્લા દરવાજામાંથી પટકાતા વૃદ્ધનું મોત
અમદાવાદ જતા વૃદ્ધનું ચાલકની બેદરકારીથી મૃત્યુ : પોલીસ દ્વારા બસચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી