હાલના જે મંત્રીઓ છે તે તમામ ખૂબ જ જુનિયર છે. ભૂતકાળમાં તેમની કોઈ જ ગંભીર નોંધ પણ લેતા નહોતા. એટલું જ નહીં, તેઓના નિયમો મુજબના નાના-મોટા કામો પણ થતા નહોતા. કેટલાક મંત્રીઓ તો તેમને કેબિનની બહાર બેસાડી રાખતા હતા. જ્યારે કેટલાક મંત્રીઓ તમારું કામ થઈ જશે તેવા ખોટા આશ્વાસન આપ્યા હતા. હવે સચિવાલયમાં ચર્ચા છે કે, મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓને ભાજપના ટોચના નેતાઓએ સૂચના આપી દીધી છે કે તમારે પૂર્વ મંત્રીઓના કોઈ જ કામ કરવાના નથી.
એટલું જ નહી, જો કોઈ પૂર્વ મંત્રી કામ માટે દબાણ કરે તો અમને તુરંત જ જાણ કરવી. આવી સૂચનાને પગલે નવા મંત્રીઓમાં ઉત્સાહ આવી ગયો છે. કેમકે અમુક મંત્રીઓ જ્યારે માત્ર ધારાસભ્યો હતા ત્યારે તેમની સાથે ઘણી વખત અપમાનજનક વ્યવહાર કરાયો હતો. તેમજ અવગણના કરાઈ હતી. તેમની સાચી વાતને પણ મંત્રીઓ સાંભળતા નહોતા. હવે તેઓને તક મળી છે. એટલું જ નહી, જુદાજુદા વિભાગોમાં કીપોસ્ટ પર મૂકી દેવાયેલા કેટલાય આઇએએસ અને આપીએસ સહિતની વર્ગ-1ના અધિકારીઓની પણ આગામી સમયમાં બદલી કરી દેવાશે. જેની બદલી નહી થાય તેને કોઈ મહત્ત્વની કામગીરી સોંપાશે નહી અને તેમના પર વોચ રખાશે.
સી આર પાટિલને ભાજપના પ્રદેશપ્રમુખ બનાવ્યા બાદ ગુજરાતમાં બે પાવર સેન્ટર ઊભા થયા હતા. પરંતુ હવે આખી નવી સરકાર આવી ગઈ છે. પાટિલે અનેક વખત જાહેરમાં કહ્યું છે કે, અધિકારીઓનું રાજ ચાલવું જોઈએ નહીં, ટોચના અધિકારીઓ કરતા ભાજપના પદાધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને વધુ મહત્ત્વ આપવુ જોઈએ. જ્યાં સુધી અધિકારીઓ જ શાસન ચલાવશે ત્યાં સુધી નેતાઓને કોઈ જ ક્રેડિટ મળવાની નથી. જો કે એ સમયે પાટિલ પાસે પૂરતી સત્તા નહોતી. પણ અત્યારે તેઓને સર્વશકિતમાન ગણવામાં આવે છે. ભાજપના કાર્યકરો-આગેવાનો ચર્ચા કરી રહ્યાં છે કે, પાટિલે હવે બાબુઓને કંટ્રોલમાં રાખવાનો સમય આવી ગયો છે.
બાબુઓનાં રાજનો ખાતમો કરી દેવો જોઈએ. થઈ રહેલી ચર્ચા મુજબ પાટિલ આગામી દિવસોમાં સાફસફાઈ શરૃ કરશે. હાલમાં તેઓ પોતાના વિશ્વાસુ સિનિયર સાથે સતત સંપર્કમાં છે. તેમની પાસેથી ઝીણામાં ઝીણી વિગતો લઈ રહ્યાં છે. બાબુઓની લોબીને કઈ રીતે અંકુશમાં રાખવી તેની વ્યૂહરચના ઘડી રહ્યા છે. આગામી સમયમાં ગુજરાતમાંથી બાબુઓના રાજનો ખાતમો કરવાના તમામ ઉપાયો અજમાવાશે.
ગાંધીનગરમાં મંત્રીઓમાં શેની ચર્ચા છે ?
ગુજરાતમાં IAS-IPS લોબીનું રાજ ખતમ કરશે પાટિલ