રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદ તથા સંભવિત ભારે પવનની આગાહીના પગલે દ્વારકા જિલ્લાના તમામ બંદરો પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
જિલ્લા સાથે દેશના છેવાડાના વિસ્તારો ઓખા, દ્વારકા, સલાયા, નાવદ્રા, ભોગત, હર્ષદ, સહિતના બંદરો પર આ અંગે જાણ કરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ બોટને પરત બોલાવવા તથા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. ખરાબ હવામાનના કારણે તાત્કાલિક ધોરણે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી, બોટ અને હોડીને પરત બોલાવવા સૂચના આપી, નવા ટોકન ઇસ્યુ ન કરવા જણાવાયું છે. આ બાબત માછીમારો તેમજ માછીમારી કરતા મંડળોને ફિશરીઝ પત્ર દ્વારા જાણ કરીકરવામાં આવી છે.
હવામાન ખાતાની આગાહીના પગલે ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડે બીજી સૂચના ન મળે ત્યાં સુધી બોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળેલ છે. યાત્રાધામ બેટ દ્વારકા જતા પ્રવાસીઓને બેટ દ્વારકા ન આવવવા પણ અપીલ કરાઈ છે. તકેદારીના પગલાં રૂપે ફેરી બોટ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.