રાજ્ય સરકાર દ્વારા પાર્ટીપ્લોટ-ક્લબ નવરાત્રિ આયોજનને આ વર્ષે પણ મંજુરી આપવામાં આવી નથી. આ ઉપરાંત કોરોના મહામારીને લીધે કોઈ મોટા પ્રસંગના પણ આયોજન થયા નથી. આ કારણે કલાકારોને રોજીરોટી મેળવવામાં તકલીફ થઇ રહી છે, આ સિવાય ડીજે સિસ્ટમ, સાઉન્ડ ઓપરેટર, લાઈટ ડેકોરેશન આર્ટીસ્ટ વગેરે લોકો નવરાત્રિના મોટા આયોજનોમાંથી જ પોતાની મોટાભાગની વાર્ષિક આવક મેળવતા હોય છે. આવા સંજોગોમાં નવરાત્રીના મોટા આયોજનોને મંજુરી ના મળવાથી કલાકરો તથા ટેકનિશિયનો ના ભવિષ્ય પર મોટું સંકટ આવી શકે એમ છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી પાર્ટીપ્લોટ તથા કલબના આયોજનોને મંજુરી આપી તેના દ્વારા રોજગારી મેળવતા સાઉન્ડ-લાઈટ-ડીજે એસોસિએશન જામનગરના પ્રમુખ હેમલ પુરખા, મ્યુઝીક એલાયન્સ એસોસિએશન જામનગરના પ્રમુખ આસિત જોશી તથા આર્ટીસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના સુલેમાન બુર્બાન સહિતના કલાકારો તથા ટેકનિશિયનો દ્વારા જામનગર જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીને આવેદન પાઠવવામાં આવ્યું હતું.