Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતમુખ્યમંત્રી વિધાનસભા ગૃહ છોડી જતાં રહ્યા !

મુખ્યમંત્રી વિધાનસભા ગૃહ છોડી જતાં રહ્યા !

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ સહિત ચાર વિપક્ષી ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી તેઓનું સસ્પેન્શન પરત ખેંચી લેવામાં આવ્યું

- Advertisement -


- Advertisement -

કોરોના મૃતકોના વારસોને ચાર લાખની સહાય આપવાની માગ સાથે, મૃતકોના આંકડા છુપાવવાના સરકારના ખેલ સામે વિપક્ષ કોંગ્રેસે મંગળવારે ગુજરાત વિધાનસભામા ગૃહમાં પોણો કલાક સુધી હંગામો મચાવ્યો હતો, પ્રશ્ર્નોતરી દરમિયાન એક સમયે કોંગ્રેસે ભાજપ સરકારને બરોબર ભીંસમાં લીધી હતી, જોકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલેે જવાબ ના આપતાં, કોંગ્રેસના ધારાસભ્યો પોસ્ટરો સાથે વેલમાં ધસી આવી ‘સહાય આપો ભાઇ, સહાય આપો’ના નારા લગાવ્યા હતા, અધ્યક્ષ નીમાબહેન આચાર્યે ધારાસભ્યોને પોતાની જગ્યાએ બેસવા, પ્રદર્શન નહિ કરવા સૂચના આપી હતી, અલબત, કોંગ્રેસનું હલ્લબોલ ચાલુ રહેતાં સત્તાપક્ષ કોઇ દરખાસ્ત લાવે તે પહેલાં જ વેલમાં ધસી આવેલા કોંગ્રેસના ધારાસભ્યોને અધ્યક્ષે સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો અને એ પછી ગૃહ પ્રશ્નોતરી કાળ સુધી મોકૂફ રાખ્યું હતું. પણ મોકૂફી વચ્ચે કોંગ્રેસે રામધૂન બોલાવી હતી, પ્રશ્નોતરીનો સમય પૂરો થયા બાદ ગૃહની કાર્યવાહી શરૂ થઇ શકી ન હતી, એ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં નારેબાજી ચાલી હતી, થોડીક વારમાં મુખ્યમંત્રી ગૃહ છોડીને જતાં કોંગ્રેસે ‘ભાગ ગયા ભઇ ભાગ ગયા, મુખ્યમંત્રી ભાગ ગયા’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કોરોનાના કારણે કેટલા દર્દીના મોત થયા અને મૃતકના વારસોને કેટલી સહાય ચુકવાઇ તે વિશે સવાલ પૂછયો હતો, જવાબમાં સરકારે સાબકાંઠામાં બે વર્ષમાં 157 મોત થયાનું જણાયું હતું. કોટવાલે કહ્યું કે, એક ગામમાં 20 લોકોનાં મોત થયા છે. મોતના આંકડા ખોટા અપાયા છે. સરકાર મૃતકના વારસોને 4 લાખ સહાય આપવા માગે છે? સામેઆરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, મોતના આંકડામાં કો-મોર્બિડ કે બીજા કારણસર મોત થયું હોય તે બાબત સામે નથી. કેવળ કોવિડનાં મોત થયું હોય તેના કેસ પેપરની ચકાસણી કરી રૂા. 50 હજારની સહાય આપવામાં આવશે.

બીજી તરફ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કેન્દ્રના ઠરાવને ટાંકી 4 લાખ સહાય આપવા માગ કરી હતી. સાબરકાઠા અને અરવલ્લીમાં પાંચ નગરપાલિકામાં જ 219 વધારાનાં મોત થયાનું આરટીઆઇમાં સામે આવ્યું છે. આ તફાવત કેમ આવે છે એ સમજાતું નથી. વિપક્ષે સ્મશાનમાં લાઇનો હતી, ઇન્જેકશન, બેડની અછતનો મુદ્ો ઉઠાવ્યો હતો.

આ પ્રશ્ર્નોનો મારો ચાલતાં આરોગ્યમંત્રી પટેલ જવાબ આપી શકયા ન હતા, એ પછી વિપક્ષે ગૃહમાં તોફાન શરૂ કર્યું હતું. ગૃહમાં પોણો કલાક સુધી વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા હતા, પહેલાં વેલમાં આવેલા સભ્યોને સસ્પેન્ડ કરાયા પછી ગૃહ મોકૂફ રહ્યું એ પછીયે વિપક્ષે દેકારા કર્યા હતાં. વેલમાં નીચે બેસી રામધૂન બોલાવાઇ હતી, ઈશ્વર અલ્લાહ તેરો નામ, ભાજપ કો સન્મતિ દે ભગવાન, ઉપરાંત ભાગેડુ જનતા પાર્ટી-ભાજપ ભાજપ, ભારત માતા કી જય, હર હર મહાદેવના પોકાર વિપક્ષે કર્યા હતાં. પ્રશ્ર્નકાળ પૂરો થયા પછી ગૃહ 22 મિનિટ મોડું શરૂ થયું હતું. આમ ભાજપ ફલોર મેનેજમેન્ટમાં નિષ્ફળ રહ્યું હતું. અધ્યક્ષની ચેમ્બરમાં મિટિંગના દોર પછી 4 સભ્યોને સસ્પેન્ડ કરાયા તે પરત ખેંચવાની ગૃહમાં જાહેરાત કરાઇ હતી. જેમાં વીરજી ઠુમ્મર, વિક્રમ માડમ, કિરીટ પટેલ અને બળદેવ ઠાકોર સામેલ હતા. અંતે ઘીના ઠામમાં ઘી જેવી સ્થિતિ પછી ગૃહ રાબેતા મુજબ ચાલ્યું હતું.

ગૃહમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા એસડીઆરએફની જોગવાઇઓમાં ઉમેરી કરી 50 હજારની સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે. તે માટે રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ કમિટીની રચના કરી સહાય ચુકવાશે, ગૃહમાં કોંગ્રેસે એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે, પ્રશ્નોતરીના જવાબ પ્રમાણે ગુજરાતમાં 3864 મોત થયા છે, જયારે આરોગ્ય વિભાગ 10,081 મોત દર્શાવે છે. આ મામલે સરકારે ગૃહ બહાર જણાવ્યું હતું કે, સવાલો જિલ્લાઓના પુછાયેલા છે, શહેરી વિસ્તારો સામેલ નથી, કેટલાંક સવાલોમાં ડેઝિગ્નેટેડ હોસ્પિટલોના જ આંકડા માગવામાં આવ્યા છે.

- Advertisement -

હંગામાં વચ્ચે પ્રશ્નકાળ સુધી ગૃહ મોકૂફ રખાયું હતું. એ પછી 11 વાગ્યે ફરી ગૃહ મળવાનું હતું. પણ વિપક્ષના હંગામાના કારણે 22 મિનિટ પછી ગૃહની કામગીરી ફરી શરૂ થઇ હતી, નવા નિશાળિયા ભાજપના સભ્યો ફલોર મેનેજમેન્ટ સહિતની કામગીરીમાં નિષ્ફળ રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular