ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટિયા પાસેના સીમવિસ્તારમાં આવેલા ખેતરની ઓરડીમાં દારૂનો વિશાળ જથ્થો હોવાની બાતમીના આધારે ધ્રોલ સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન રૂા.11.32 લાખની કિંમતની 2792 બોટલ (232 પેટી) દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી રૂા.11.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા વાડી માલિકની સંડોવણી ખુલતા તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટિયા પાસે આવેલા ખેતરમાં દારૂનો વિશાળ જથ્થો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ.એન.જાડેજા તથા સ્ટાફે મધ્યરાત્રિના સમયે રેઇડ દરમ્યાન બહાદુરસિંહ ઝાલાની વાડીમાં આવેલી ઓરડીની તલાશી લેતા તેમાંથી રૂા.6,27,200ની કિંમતની મેકડોવેલની 1568 બોટલ અને રૂા.3,64,800ની ઓલ સીઝનની 912 બોટલ તથા રૂા.1,40,400ની કિંમતની રોયલ ચેલેન્જની 312 બોટલ દારૂ અને રૂા.2000 ની કિંમતનો મોબાઇલ મળી આવતા પોલીસે કુલ રૂા.11,32,400ની કિંમતની 2,792 બોટલ દારૂ સાથે રતુભા લખુભા જાડેજા નામના શખ્સને ઝડપી લીધો હતો અને પૂછપરછ કરતા આ દારૂના જથ્થાની સંડોવણીમાં વાડી માલિક બહાદુરસિંહ વજુભા ઝાલા (રે.રાજકોટ)ની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.
પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ દારૂનો ગુનો નોંધી મુદ્દામાલ કબ્જે કરી અને ઝડપાયેલા શખ્સની પૂછપરછ હાથ ધરી દારૂનો જથ્થો કોની પાસેથી અને કેવી રીતે મંગાવવામાં આવ્યો હતો તે અંગેની વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.