જામનગર નજીક આવેલા ધુંવાવ પાસેની રૂપારેલ નદીમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકીના બે બહાર નિકળી ગયા હતાં જ્યારે એક મિત્ર લાપતા થવાથી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ દરમિયાન આજે સવારે લાપત્તા મિત્રનો મૃતદેહ સાંપડતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવ ગામના પાદરમાં રૂપરેલ નદીમાં રવિવારે ત્રણ મિત્રો ન્હાવા પડયા હતાં અને તે પૈકીના બે મિત્રો સલામત રીતે બહાર આવી ગયા હતાં. પરંતુ, તેમનો એક મિત્ર નદીના પાણીમાં લાપતા બની ગયો હતો.
આ અંગેની જાણ થતા ગ્રામજનો દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મહાનગરપાલિકાની ફાયરશાખાને પણ જાણ કરવામાં આવતા ફાયર ટીમ દ્વારા હોડી દ્વારા લાપતા થયેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, રવિવાર સાંજ સુધી યુવાનનો પત્તો લાગ્યો ન હતો. તેથી ફાયર ટીમ દ્વારા સોમવારે ફરીથી લાપતા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવતા લાપત્તા તરૂણનો મૃતદેહ મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.