જામનગર શહેર અને જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે અસંખ્ય લોકોના ઘરમાં ગળાડૂબ પાણી ભરાઇ ગયા હતાં. જેના કારણે મિલકત અને ઘરવખરીને મોટું નુકસાન થયું છે. તેમજ આ અસરગ્રસ્તો માટેની પૂર્ણ થયેલી સર્વે કામગીરી ની મુદ્ત વધારાવા માટે વોર્ડ નં.4ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.
જામનગર શહેરમાં ગત સપ્તાહ વરસેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો ગળાડૂબ પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. આ પાણી ભરાવવાના કારણે લોકોની માલ મિલકતને મોટું નુકસાન થયું છે અને લોકોની ઘરવખરી પણ પાણીના પ્રવાહમાં તણાઇ ગઇ છે. શહેરના વોર્ડ નં.4ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ જામનગર શહેરના જૂદાં-જૂદાં વિસ્તારોમાં કરવામાં આવેલાં સર્વે સંપુર્ણ થયા ન હોય અને ગરીબ તથા સ્લમ અને પછાત વિસ્તારોમાં સર્વે કામગીરી હજી સુધી થઇ નથી અને અધિકારીઓ એક જગ્યાએ બેસીને અરજદારનું નામ અને સરનામું તથા માલમિલકતનું નુકસાન લખીને જતાં રહે છે. આવા અનેક વિસ્તારોમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ સર્વે અસરગ્રસ્ત લોકોને થયેલાં ભયંકર નુકસાનીનો સર્વે બાકી હોય અને ખાસ કરીને ગરીબ લોકોની હાલત વધુ ખફોરી છે ત્યારે આ સર્વે કામગીરી સરકાર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાહેર કરાયું છે. જે સર્વે કામગીરીની મુદ્તમાં વધારો કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે.