મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તા.રપ સપ્ટેમ્બર રાત્રિના 12 કલાકથી 10ઓક્ટોબર સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12 થી 6વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.
આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે.આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.
રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ.
અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના 10 કલાક સુધી અગાઉ ક્ષમતાના 60% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના 75% સાથે ચાલુ રાખી શકાશે.
રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના 10 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે