જામનગરના એસડીએમ આસ્થા ડાંગરે પોતાના ફોન પર આવતાં પૂરગ્રસ્ત લોકોના ફોન મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાના ફોન પર ડાયવર્ડ કરી દીધાનો આક્ષેપ કોર્પોરેટરે કર્યો છે. તો આ બાબતે પોતાને કશી જ જાણકારી ન હોવાનું એસડીએમ જણાવી રહ્યાં છે.
શહેરના રાજકીય અને વહીવટી આલમમાં ભારે ચકચાર જગાવનારા આ કિસ્સાની વિગત એવી છે કે, વોર્ડ નં. 4ના કેર્પોરેટર રચના નંદાણિયા પોતાના વિસ્તારમાં આવેલા પૂરના કારણે મચેલી તબાહી અંગે એસડીએમ સમક્ષ રજૂઆત કરવા માટે ગયા હતાં. જ્યાં તેમણે સર્વેની કામગીરીને લઇને એસડીએમ સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. એસડીએમ દ્વારા આ વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોર્પોરેટરે કામગીરીમાં ઘણી બધી ક્ષતિઓ રહી ગઇ હોવાનું જણાવતાં બન્ને વચ્ચે ચકમક ઝરી હોવાનું પણ કહેવાય છે. દરમિયાન એસડીએમને રજૂઆત કરનારા લોકોના ફોન અચાનક જ કોર્પોરેટર રચના નંદાણિયાના ફોન ઉપર આવવા લાગ્યા હતાં. તેમણે શંકા જતાં તેમણે આવા કોલનું રેર્કોડીંગ પણ શરુ કર્યું હતું. જેમાં લોકો એવું કહેતા સાંભળવા મળ્યા હતાં કે, અમે રજૂઆત માટે એસડીએમને ફોન કર્યો છે, પરંતુ તમામ કોલ કોર્પોરેટર રચના નંદાણિયાને લાગી રહ્યાં હતાં.
આ અંગે કોર્પોરેટર રચના નંદાણિયાએ એવો આક્ષેપ કર્યો છે કે, એસડીએમે ઇરાદાપૂર્વક આ પ્રકારના કોલ તેમના નંબર પર ડાયવર્ટ કરી દીધા છે. આ અંગે તેમણે કલેકટર સૌરભ પારઘીને પણ રજૂઆત કરી છે. દરમિયાન કોલ ડાયવર્ટ અંગે એસડીએમ આસ્થા ડાંગરને કોઇ જાણકારી ન હોવાનું તેમણે અખબારોને જણાવ્યું છે. અત્રે ઉલ્લેનિય છે કે, છેલ્લા કેટલાંક સમયથી જામનગરના એસડીએમ આસ્થા ડાંગરની કામગીરી વિવાદાસ્પદ રહી છે. ત્યારે કોલ ડાયવર્ટના આ પ્રકરણે તેના વધુ એક વિવાદમાં ઉમેરો કર્યો છે. જિલ્લા કલેકટર દ્વારા આ સમગ્ર પ્રકરણની તપાસ થવી ખૂબ જરુરી છે. ટેકનિકલ ક્ષતિ છે કે, પછી ઇરાદાપૂર્વકનું કૃત્ય? જો ઇરાદાપૂર્વક અધિકારી દ્વારા આવુ કરવામાં આવ્યું હોય તો તે અત્યંત ગંભીર બાબત છે.
કોલ ડાયવર્ટ મુદ્દે મહિલા કોર્પોરેટર-એસડીએમ સામસામે
કોર્પોરેટર રચના નંદાણિયાએ કલેકટરને રજૂઆત કરી સમગ્ર પ્રકરણની તપાસ કરવા જણાવ્યું


