જામનગર તાલુકાના જગા ગામમાં રહેતાં શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય શખ્સની શોધખોળ આરંભી હતી. જોડિયા ગામમાં રહેતાં શખ્સના મકાનમાંથી રેઈડ દરમિયાન પોલીસે દારૂની ત્રણ બોટલો સાથે શખ્સને ઝડપી લઇ સપ્લાયરની શોધખોળ આરંભી હતી. જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેથી પસાર થતા શખ્સને દારૂની એક બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના જગા ગ્રામ પંચાયતની બાજુમાં રહેતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાન્કિ પોલીસે રેઈડ દરમિયાન જયેન્દ્રસિંહ ઉર્ફે રઘુભા નટુભા જાડેજા નામના શખ્સના મકાનની તલાસી લેતા મકાનમાંથી રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ દારૂ મળી આવતા પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જાંબુડના રમેશ ઉર્ફે કુકો પરષોતમ મારકણાની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે રમેશની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, જોડિયાના લક્ષ્મીપરા ઉમિયા સોસાયટીમાં રહેતાં ગણેશ કરમશી કાનાણી નામના શખ્સના મકાનની તલાસી દરમિયાન રૂા.1500 ની કિંમતની દારૂની ત્રણ બોટલો મળી આવતા સ્થાનિક પોલીસે ગણેશની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો જાંબુડના રમેશ ઉર્ફે કુકો પરષોતમ મારકણાની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે રમેશની શોધખોળ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેથી પસાર થતા સમીર રસીદ ચંગડા નામના શખ્સને આંતરીને પોલીસે તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર તાલુકાના જગા ગામમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે
રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ કબ્જે : જોડિયામાં રહેણાંક મકાનમાંથી ત્રણ બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો : બન્ને દરોડામાં જાંબુડાના શખ્સ સપ્લાયરનું નામ ખૂલ્યુ


