જામનગર શહેર જીલ્લામાં ગત તા.13 ના રોજ થયેલ અતિભારે વરસાદને પરિણામે પુર ની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ અને રંગમતી નદીમાં આવેલ પુર ને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોની સાથે વેપારીઓ ને પણ દુકાનમાં પાણી ઘુસી જતા લાખોનું નુકશાન થયું હતું
જામનગરમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદે જામનગર શહેર જીલ્લામાં તબાહી મચાવી હતી. જામનગર શહેરમાં વારસા અને રંગમતી નદીમાં આવેલ પુર ના કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. શહેરના હાર્દસમા બેડી ગેઇટ, ધણશેરી, પંચેશ્વરટાવર, જયશ્રી ટોકીઝ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની સમસ્યા છે. આ વિસ્તારોમાં થોડા વરસાદે પણ પાણી ભરાઈ જાય છે અને વેપારીઓ મુશ્કેલીમાં મૂકાય જાય છે. ત્યારે આ વખતે થયેલ અનરાધાર વરસાદથી ધણશેરી તથા બેડીગેઈટ જેવા વિસ્તારોમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા દુકાનોમાં અને ગોડાઉનોમાં પાણી ઘુસી ગયા હતા. દુકાનો અને ગોડાઉનોમાં પાણી ઘુસી જતા વેપારીઓ ના લાખોના માલ ને નુકશાન પહોચતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ફર્નીચર સહિતની દુકાનો ધરવતા વેપારીઓને દુકાનમાં રહેલો માલ વરસાદમાં પલળી જવાથી લાખોનું નુકશાન થયું છે. એક તરફ કોરોના અને લોકડાઉનના કારણે લાંબા સમયથી વેપાર ધંધામાં મંદી ચાલી રહી હોય વરસાદના કારણે માલ પલળી જતા વેપારીઓની હાલત કફોડી બની છે.