કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામની સીમમાં આવેલા ખેતરમાં રમતા સમયે 11 વર્ષના બાળકને સાપ કરડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના નિકાવા ગામના વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા સમયે શ્રમિક યુવાનને દવાની વિપરીત અસર થવાથી મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. કાલાવડ તાલુકાના મછલીવડ ગામમા ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થવાથી યુવાનનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામની સીમમાં આવેલા છગનભાઈના ખેતરે મજૂરીકામ કરતા ખેબસિંહ જોતસિંહ પચાયા નામના યુવાનનો પુત્ર સુનિલ પચાયા (ઉ.વ.11) નામનો બાળક બુધવારે બપોરના સમયે તેના ખેતરમાં રમતો હતો તે દરમિયાન સાંપ કરડી જતાં તબિયત લથડવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ખેબસિંહ દ્વારા જાણ કરાતા હેકો વી.વી.છૈયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના નિકાવા ગામની સીમમાં આવેલી રામભાઈ વરસાણીના ખેતરમાં ખેતમજૂરી કામ કરતા બાલુ કાળિયાભાઈ રાઠવા (ઉ.વ.21) નામનો યુવાન ગત શનિવારે બપોરના સમયે પાકમાં દવાનો છંટકાવ કરતો હતો તે દરમિયાન દવાની વિપરીત અસર થવાથી તબિયત લથડતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું. આ અંગે ટીનકાભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, કાલાવડ તાલુકાના મછલીવડ ગામની સીમમાં આવેલા પ્રતિપાલસિંહ જાડેજાના ખેતરમાં ખેતમજૂરી કામ કરતો ઉમેશ સીધાભાઈ ડાવર (ઉ.વ.24) નામનો યુવાન બુધવારે સવારના સમયે પાકમાં દવાનો છંટકાવ કરતો હતો ત્યારે દવાની અસર થવાથી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના ભાઈ રાજુ ડાવર દ્વારા જાણ કરાતા હેકો વી.વી.છૈયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રમતા બાળકને કાળ બનીનો આવેલો સાપ ડંખી જતાં મૃત્યુ
નિકાવામાં દવાના છંટકાવ સમયે વિપરીત અસરથી યુવકનું મોત : મછલીવડમાં દવાની ઝેરી અસર થતાં યુવાનનું મૃત્યુ