2022માં જ્યાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેવા ગુજરાત અને ઉતરાખંડ રાજ્યમાં મુખ્ય પ્રધાનોને બદલ્યા પછી હવે ભાજપા આ રાજ્યોમાં પોતાના અડધા વર્તમાન ધારાસભ્યોના પત્તા કાપવાની યોજના બનાવી રહી છે. ખરેખરતો તે આમ કરીને સત્તા વિરોધી લહેરને ઓછી કરવા માંગે છે.
ગત વિધાનસભા ચૂંટણીઓમાં પણ પક્ષે પોતાના 15 થી 20 ટકા ધારાસભ્યોના પત્તા કાપ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે આ વખતે આ આંકડો બહુ મોટો હોઇ શકે છે કેમ કે લોકોના મનમાં નારાજગી છે. પક્ષના એક સુત્રએ જણાવ્યું કે રાજ્યોમાં ભાજપાએ જમીની સ્તરે સર્વે કરાવ્યા છે. જેથી જનતાનું મન જાણી શકાય. ધારાસભ્યને પણ કહેવાયું છે કે તેઓ વીતેલા પાંચ વર્ષોમાં તેમણે કરેલ કાર્યોનું રિપોર્ટ કાર્ડ આપે જેને પક્ષે તૈયાર કરેલ રિપોર્ટ સાથે મેચ કરીને જોવામાં આવશે. જે ધારાસભ્યોનો દેખાવ સારો નહીં હોય તેમને આ વખતે ટીકીટ નહીં મળે. ધારાસભ્યોનું મૂલ્યાંકન કેટલાક નક્કી કરાયેલ માપદંડોના આધારે કરવામાં આવશે. જેમ કે તેમણે લોકલ ડેવલપમેન્ટ ફંડનો કેટલો ઉપયોગ કર્યો, ગરીબોના ઉત્થાન માટે કેટલી પરિયોજનાઓ ચલાવી અને મહામારી દરમ્યાન પક્ષ તરફથી શરૂ કરાયેલ સેવા હી સંગઠન યોજનામાં કેટલો સહયોગ આપ્યો. પક્ષે બધા મત વિસ્તારોમાં સર્વે કરાયો છે, જેમાં લોકો પાસેથી સરકારના પરફોર્મન્સ બાબતે ફીડબેક લેવાયો છે. અત્યારે ભાજપા માટે સત્તા વિરોધી લહેરને કાપવી એ સૌથી મોટો પડકાર બનેલો છે. પક્ષે આ જ કારણે વિજયભાઇ રૂપાણીને હટાવીને ભૂપેન્દ્રભાઇ પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવ્યા હતા.આ ઉપરાંત સંપૂર્ણ નવા મંત્રી મંડળને પણ શપથ લેવડાવ્યા. જેથી વર્ષ-2022ના અંતમાં થનાર ચૂંટણીઓ પહેલા પાર્ટી કેડરને પુનજીર્વિત કરી શકાય.