દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાટિયા મુકામે આવેલી કે.જી.બી.વી. (કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય) માં ધોરણ 9 થી 12 કોરોનાનું કારણ દર્શાવી, બંધ કરી દેવામાં આવતાં તેના વિરોધમાં વાલીઓ, વિધાર્થીનીઓ અને જાગૃત નાગરિકોએ અધિકારીઓ, પદાધિકારીઓને અનેક લેખિત મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં યોગ્ય નિરાકરણ ન આવતા સ્થાનિકોને અગાઉ નાછૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી હતી. ઉપવાસ આંદોલનના 13 મા દિવસે જિલ્લાના શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખ, દ્વારકાના પૂર્વ ધારાસભ્ય દ્વારકા અને શિક્ષણ વિભાગના લગત અધિકારીઓની સમજાવટ અને બાંહેધરી આપ્યા બાદ દિકરીઓએ ઉપરોક્ત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર વિશ્ર્વાસ રાખી, ઉપવાસ આંદોલન સમેટી લઈને પારણા કર્યા હતા.
તે બાબતને દોઢ મહિના કરતા વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ આ મુદ્દે અધિકારીઓ કે પદાધિકારીઓએ અને જિલ્લાના શિક્ષણ વિભાગના લગત અધિકારીઓ દ્વારા યોગ્ય નિરાકરણ કે પ્રત્યુતર ન અપાતા દીકરીઓ સાથે દગો કર્યો હોવાનો અહેસાસ સ્થાનિકો તથા વાલીઓ કરી રહ્યા છે. આના અનુસંધાને વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ ગુજરાત કિસાન કોંગ્રેસના નેજા હેઠળ પુન: લડતનું રણશિંગુ ફુક્યું છે.
ખંભાળિયામાં જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય નિર્ણય કરવા અથવા તો આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાનીમાં આપવામાં આવેલ આવેદનપત્રમાં દ્વારકા જિલ્લામાં બંધ કરવામાં આવેલી 39 પ્રાથમિક વાળીશાળાઓ ફરીથી ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે રાખી ભાટિયા કે.જી.બી.વી.માં ધોરણ 9 થી 12 ફરીથી ચાલુ કરવા અને દ્વારકા જિલ્લામાં બંધ કરવામાં આવેલી 39 વાડી શાળાઓને ફરીથી ચાલુ કરવાની માંગ સાથે તંત્રને આપવામાં આવેલી ચીમકીમાં જણાવાયું છે કે જો અમારી માંગ પૂરી કરવામાં નહિ આવે તો વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં આપવામાં આવેલ આવેદનપત્ર સમયે મોટી સંખ્યામાં વાલીઓ અને વિધાર્થીઓ સાથે ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા કોંગ્રેસ આગેવાન મુરુભાઈ કંડોરીયા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી એભાભાઈ કરમુર, જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન દેવુભાઈ ગઢવી, જિલ્લા કિસાન કોંગ્રેસ ઉપ પ્રમુખ જીવાભાઈ કનારા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રામભાઈ ગોરીયા, જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદ આંબલિયા, એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ દાના માડમ, યૂથ કોંગ્રેસ ઉપપ્રમુખ સાવન કરમુર, ગોવિંદ આંબલિયા, દેવાણંદ માડમ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.